REUTERS/Gonzalo Fuentes/File Photo

ગ્લોબલ સાયબર આઉટેજથી શુક્રવારે વિશ્વભરમાં એરલાઇન, મીડિયા, બેન્ક, હેલ્થકેર, શેરબજારો સહિતના લગભગ તમામ ક્ષેત્રોની કામગીરી ઠપ થઈ હતી. ઘણી એરલાઇને તેમની ફ્લાઇટ અટકાવી દીધી હતી અને ટીવી ચેનલ બંધ થઈ ગઈ હતી. માઇક્રોસોફ્ટના ક્લાઉડ સર્વિસ આઉટેજ કારણે બેન્કિંગથી લઇને હેલ્થકેર સહિતના ક્ષેત્રોની કામગીરીને ફટકો પડ્યો હતો.

અમેરિકન એરલાઇન્સ, ડેલ્ટા એરલાઇન્સ, યુનાઇટેડ એરલાઇન્સ અને એલેજિઅન્ટ એરે કોમ્યુનિકેશન સમસ્યાઓને ટાંકીને ફ્લાઇટ્સ ગ્રાઉન્ડ કરી હતી. યુનાઇટેડ એરલાઇને જણાવ્યું હતું કે “થર્ડ પાર્ટી સોફ્ટવેર આઉટેજથી અમેરિકા સહિત વિશ્વભરની કમ્પ્યુટર સિસ્ટમોને અસર કરી રહ્યું છે. અમે તે સિસ્ટમ્સને પુનઃસ્થાપિત કરવા માટે કામ કરીએ છીએ, અમે તમામ એરક્રાફ્ટને તેમના પ્રસ્થાન એરપોર્ટ પર રોકી રાખ્યાં છે.

ઓસ્ટ્રેલિયાની સરકારે જણાવ્યું હતું કે મીડિયા, બેંકો અને ટેલિકોમ કંપનીઓને અસર થઈ હતી. આ આઉટેજ ગ્લોબલ સાયબરસિક્યોરિટી કંપની ક્રાઉડસ્ટ્રાઇકની ટેકનિકલ સમસ્યા સંબંધિત હોવાનું જણાય છે. ક્રાઉડસ્ટ્રાઇકે તેના ગ્રાહકોને મોકલવામાં આવેલાં એલર્ટમાં જણાવાયું હતું કે કંપનીના “ફાલ્કન સેન્સર” સોફ્ટવેરને કારણે માઇક્રોસોફ્ટ વિન્ડોઝ ક્રેશ થઇ રહ્યું છે અને બ્લૂ સ્ક્રીન પ્રદર્શિત કરી રહ્યું છે, જેને અનૌપચારિક રીતે “બ્લુ સ્ક્રીન ઑફ ડેથ” તરીકે ઓળખવામાં આવે છે.

ટ્રાવેલ ઇન્ડસ્ટ્રીને સૌથી વધુ ફટકો પડ્યો હતો. ટોક્યો, એમ્સ્ટરડેમ, બર્લિન, નવી દિલ્હી અને કેટલાક સ્પેનિશ એરપોર્ટ્સ સહિત વિશ્વભરના એરપોર્ટ્સની સિસ્ટમ્સમાં સમસ્યા ઊભી થઈ હતી. યુરોપની સૌથી મોટી એરલાઇન Ryanair સહિતની આંતરરાષ્ટ્રીય એરલાઇન્સે તેમની બુકિંગ સિસ્ટમમાં સમસ્યાઓ અને અન્ય વિક્ષેપો અંગે ચેતવણી આપી હતી.
બ્રિટનમાં ડોકટરો દ્વારા ઉપયોગમાં લેવાતી બુકિંગ સિસ્ટમ્સ ઓફલાઇન બની ગઈ હતી. સ્કાય ન્યૂઝ ઓફ-એર થઈ ગઈ હતી. તેને લાઇવ ટ્રાન્સમિટ કરવામાં અસમર્થ હોવા બદલ માફી માંગી હતી.

ઓસ્ટ્રેલિયાથી લઇને ભારત અને દક્ષિણ આફ્રિકા સુધીની બેંકો અને અન્ય નાણાકીય સંસ્થાઓએ ગ્રાહકોને તેમની સેવાઓમાં વિક્ષેપ વિશે ચેતવણી આપી હતી

ગ્લોબલ માઇક્રોસોફ્ટ આઉટેજથી ભારતમાં પણ ફ્લાઇટ્સથી લઇને સુપરમાર્કેટ અને બેન્કિંગ સેવાનો અસર થઈ હતી. ભારતમાં લગભગ તમામ વિસ્તારા, ઇન્ડિગો, સ્પાઇસજેટ અને અકાસા એર સહિત લગભગ તમામ એરલાઇન્સે ટેકનિકલ સમસ્યાઓનો સામનો કરી રહી છે જે બુકિંગ, ચેક-ઇન અને ફ્લાઇટ અપડેટ્સને અસર કરી રહી છે. એરલાઈન્સ હવે પેસેન્જરોનું મેન્યુઅલી ચેક-ઇન કરી રહી છે.સ્પાઇસજેટે એક્સ પર જણાવ્યું હતું કે અમે હાલમાં ફ્લાઇટમાં વિક્ષેપો અંગે અપડેટ્સ આપવામાં તકનીકી સમસ્યાનો સામનો કરી રહ્યા છીએ. અમારી ટીમ આ સમસ્યાને ઉકેલવા માટે સક્રિયપણે કાર્ય કરી રહી છે. કોઈપણ અસુવિધા માટે અમે દિલગીર છીએ અને એકવાર સમસ્યા ઉકેલાઈ જાય પછી તમને અપડેટ કરીશું. અકાસા એરની બુકિંગ, ચેક-ઇન, સહિતની ઓનલાઇન સર્વિસ ઠપ થઈ હતી.

લંડન સ્ટોક એક્સચેન્જને આઉટેજને કારણે અસર થઈ છે. યુએસના ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશને જણાવ્યું છે કે ડેલ્ટા, યુનાઇટેડ અને અમેરિકન એરલાઇન્સ સહિતની ઘણી મોટી યુએસ એરલાઇન્સની તમામ ફ્લાઇટ્સ સંચાર સમસ્યાને કારણે શુક્રવારે સવારે ગ્રાઉન્ડ કરવામાં આવી હતી. અમેરિકાના અનેક રાજ્યોમાં 911 ઈમરજન્સી સેવાઓને પણ અસર થઈ છે. બ્રિટિશ ન્યૂઝ ચેનલ સ્કાય ન્યૂઝ હવે કલાકો માટે બંધ છે.

 

LEAVE A REPLY