અમેરિકામાં પ્રેસિડન્ટની ચૂંટણીના થોડા મહિના પહેલા ભારત સરકારે નિવૃત્ત રાજદ્વારી વિનય મોહન ક્વાત્રાને અમેરિકામાં આગામી રાજદૂત તરીકે નોમિનેટ કર્યા છે. અમેરિકા ખાતેની ઔપચારિકતા પૂરી થયા પછી તેમની નિમણૂકની સત્તાવાર જાહેરાત કરાશે, એમ સૂત્રોએ જણાવ્યું હતું. આ મુદ્દે ભારતના વિદેશ મંત્રાલયે કોઇ ટિપ્પણી કરી ન હતી. તરનજીત સિંહ સંધુએ જાન્યુઆરીમાં તેમનો કાર્યકાળ પૂરો કર્યો ત્યારથી અમેરિકામાં ભારતના રાજદૂતનું પદ ખાલી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નજીકના ગણાતા ક્વાત્રાને ભારતના આગામી અમેરિકી રાજદૂત બનવાની સૂચના આપવામાં આવી હતી. વિનય ક્વાત્રા આ મહિનાની શરૂઆતમાં ભારતના વિદેશ સચિવ તરીકે નિવૃત્ત થયાં હતાં. વિદેશ મંત્રાલયમાં ટોચના અમલદાર તરીકેના કાર્યકાળ પૂરો થાય તે પહેલા ક્વાત્રાએ ચીન, અમેરિકા, ફ્રાન્સ તથા વડાપ્રધાન મોદીની ઓફિસમાં કામગીરી બજાવી છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે તેઓ નવેમ્બરની યુએસ ચૂંટણીઓ પછી વહીવટીતંત્રમાં સંભવિત ફેરફારની શક્યતા વચ્ચે ભારત-યુએસ સંબંધોમાં નિશ્ચિતતા લાવવાની કામગીરી કરશે. ક્વાત્રાની તાત્કાલિક પ્રાથમિકતા એવા અધિકારીઓ સુધી પહોંચવાની રહેશે કે જેઓ આગામી વહીવટીતંત્રમાં ભારત સંબંધિત નીતિમાં મહત્વની ભૂમિકા ભજવી શકે.