નાની બોટ્સમાં લોકોની દાણચોરી કરતી ટોળકીઓ પર કાયદેસર કાર્યવાહીનું નેતૃત્વ કરવા માટેની લેબર સરકારની બોર્ડર સિક્યોરિટી કમાન્ડ યોજનાના વડા તરીકે જોડાવાની કાઉન્ટર ટેરરીઝમના નેશનલ હેડ નીલ બસુએ ના પાડી છે. આના કારણે સર કેર સ્ટાર્મરની નાની બોટની કટોકટીનો ઉકેલ લાવવાની પ્રતિજ્ઞાને ફટકો પડ્યો છે. જે લેબર માટે મુખ્ય મેનિફેસ્ટો પ્રતિજ્ઞા છે.
હોમ સેક્રેટરી હ્યુવેટ કૂપર નવું કમાન્ડ બનાવી રહ્યા છે જેનો હેતુ ચેનલને પાર કરતા ગેરકાયદેસર માઇગ્રન્ટ્સની સંખ્યામાં ઘટાડો કરવાનો હતો.
માન્ચેસ્ટર એરેના બોમ્બ ધડાકા સહિત છ આતંકવાદી હુમલાઓ અને ઇસ્લામિક સ્ટેટ તરફથી ખતરો વધુ હતો ત્યારે બાસુએ પોતાનું પદ સંભાળ્યું હતું અને સફળતા મેળવી હતી. બાસુએ ચૂંટણી પહેલા રવાન્ડા યોજનાને નકામી ગણાવી કહ્યું હતું કે ‘’નાની બોટના મુદ્દાને જે રીતે પોલીસ અધિકારીઓ આતંકવાદનો સામનો કરે છે અને વિવિધ વિભાગો વચ્ચે સંયુક્ત વ્યૂહરચના કરે છે તેવી જ રીતે ચેનલ કર્સીંગ માટે કામ લેવું જોઇએ.’’
આ દળના હેડનો વાર્ષિક પગાર £140,000 અને £200,000 વચ્ચેનો છે. જેના કમાન્ડર કૂપરને સીધો રિપોર્ટ કરશે અને નેશનલ ક્રાઈમ એજન્સી, ક્રાઉન પ્રોસીક્યુશન સર્વિસ અને ગુપ્તચર એજન્સીઓ સાથે ભાગીદારીમાં કામ કરશે.
હોમ ઑફિસના આંકડા દર્શાવે છે કે તા. 9ને મંગળવારે 419 માઇગ્રન્ટ્સે છ નાની બોટમાં ચેનલને પાર કરી હતી અને આ વર્ષના પ્રથમ છ મહિનામાં તેમની કુલ સંખ્યા 14,000 કરતાં વધુ થઈ ગઈ છે.