કોવેન્ટ્રીમાં આવેલા મંદિરના સભ્યોને ”પૃથ્વી પરના ભગવાનનો અવતાર’ હોવાનું માનવા માટે ‘ગૃમ’ કરી અનુયાયી મહિલાઓ અને બાળકોનું ભયાનક જાતીય શોષણ અને બળાત્કાર કરવાનો આરોપ ધરાવતા હિન્દુ ગુરૂ રાજીન્દર કાલિયાએ હોઇકોર્ટમાં પોતાના બચાવમાં દાવો કર્યો છે કે તેમની પાસેથી લાખો પાઉન્ડની ‘ખંડણી’ કરવાના ‘બનાવટી’ કાવતરાનો તેઓ શિકાર બન્યા છે.
રાજીન્દર કાલિયા કોવેન્ટ્રીમાં તેમના હિન્દુ મંદિરમાં કથિત રીતે ‘ચમત્કાર’ કરવાનો દાવો કર્યો હતો, જેમાં પાણીમાં આગ લગાડવી અને લીંબુમાંથી લોહી નિચોવવાનું સામેલ છે. પરંતુ આ અઠવાડિયે પુરાવા આપતા, 68 વર્ષના કાલિયાએ નકારી કાઢ્યું હતું કે તેમની પાસે દૈવી શક્તિઓ છે.
કાલિયાએ જજ જસ્ટિસ માર્ટિન સ્પેન્સરને કહ્યું હતું કે ‘દાવેદારોએ બનાવટી વાર્તાઓ બનાવી છે અને મારી પાસેથી પૈસા પડાવવા માટે ખોટું બોલ્યા છે. મેં ક્યારેય પરમાત્મા હોવાનો, ઈશ્વર સાથે સીધો સંબંધ ધરાવવાનો, ઈશ્વરનું સ્વરૂપ હોવાનો દાવો કર્યો નથી. મેં ક્યારેય એવો દાવો કર્યો નથી કે હું ચમત્કાર કરી શકીશ અથવા જીવલેણ રોગોને સાજા કરી શકું છું. હું મંડળને સમજાવું છું કે ઉપચાર ભગવાન પર છે અને તેની કોઈ ગેરંટી નથી.’’
ટ્રાયલના ત્રીજા સપ્તાહમાં કોર્ટે સાંભળ્યું હતુ કે કાલિયા સિધ્ધ બાબા બાલક નાથ જી સોસાયટી ઓફ કોવેન્ટ્રીના વડા છે.
આ કેસમાં ચાર મહિલાઓએ કાલિયા પર દાવો કર્યો છે કે તેણે તેમનું જાતીય શોષણ કર્યું હતું. જે પૈકીની ત્રણ મહિલાઓએ દાવો કર્યો છે કે જ્યારે તેઓ સગીર હતી ત્યારે તેમની સામે જાતીય શોષણ શરૂ થયું હતું. એક મહિલાએ કાલિયાને ‘શેતાન’ તરીકે વર્ણવ્યા હતા. જ્યારે અન્ય ત્રણ ભૂતપૂર્વ ભક્તોએ નાણાકીય શોષણ કરાયું હોવાનો દાવો કર્યો હતો. પૂર્વ ઉપાસકો લાખોનું વળતર માંગી રહ્યા છે.
સુનાવણી દરમિયાન કાલિયાએ કહ્યું હતું કે ‘મેં કોઈ પણ દાવેદાર સાથે – સંમતિથી અથવા અન્યથા – કોઈપણ જાતીય સંબંધો બાંધ્યા નથી. દાવેદારો મૂળભૂત રીતે અપ્રમાણિક છે.’
આ ટ્રાયલ ગયા મહિને શરૂ થઈ હતી જે હજુ ચાલુ જ છે.