પ્રિન્સેસ ઑફ વેલ્સ, કેટ મિડલટન રવિવારે વિમ્બલ્ડન ચેમ્પિયનશિપમાં પહોંચતા તેમનું સ્ટેન્ડિંગ ઓવેશન આપી સ્વાગત કરાયું હતું. આ વર્ષની શરૂઆતમાં કેન્સરનું નિદાન અને પેટની સર્જરી બાદ તેમણે નવ વર્ષની પુત્રી પ્રિન્સેસ શાર્લોટ અને બહેન પિપ્પા મેથ્યુસ સાથે રોયલ બોક્સમાં બેસીને કાર્લોસ અલ્કારાઝ અને નોવાક જોકોવિચ વચ્ચેની મેન્સ ટેનિસ સિંગલ્સની ફાઇનલ મેટ જોઇ હતી. 2016થી ઓલ ઇંગ્લેન્ડ લૉન ટેનિસ અને ક્રોક્વેટ ક્લબના પેટ્રન તરીકે તેઓ આ વર્ષના ગ્રાન્ડ સ્લેમ ટાઇટલના વિજેતાને પ્રખ્યાત વિમ્બલ્ડન ટ્રોફી આપશે.
સત્તાવાર કેન્સિંગ્ટન પેલેસ દ્વારા પ્રિન્સેસ ઑફ વેલ્સ ખેલાડીઓને મળ્યા તેની તસવીરો X પર પોસ્ટ કરી હતી. તેઓ બ્રિટનની એમ્મા રડુકાનુ સહિતના ખેલાડીઓને મળ્યા હતાં. વિમ્બલ્ડનની ફાઇનલમાં અને રોયલ બોક્સમાં અભિનેતા ટોમ ક્રુઝ, જુલિયા રોબર્ટ્સ, ઝેન્ડાયા, જેમી ડોર્નન અને તેની પત્ની એમેલિયા વોર્નર અને બેનેડિક્ટ કમ્બરબેચ સહિત અન્ય સંખ્યાબંધ સ્ટાર્સ પણ હતા.
માર્ચમાં કેન્સરના અજ્ઞાત સ્વરૂપના નિદાન પછી પ્રિન્સેસ કેટ પ્રિવેન્ટીવ કીમોથેરાપીમાંથી પસાર થઈ રહ્યા છે. ગયા મહિને તેઓ કિંગ ચાર્લ્સ III ના વાર્ષિક જન્મદિવસ પ્રસંગે ટ્રુપિંગ ધ કલર પરેડમાં હાજર રહ્યા હતા. જ્યાં બકિંગહામ પેલેસની બાલ્કનીમાં તેમના સસરા કિંગ ચાર્લ્સ, પતિ પ્રિન્સ વિલિયમ અને તેમના ત્રણ બાળકો – પ્રિન્સ જ્યોર્જ, પ્રિન્સેસ ચાર્લોટ અને પ્રિન્સ લુઈ પણ જોડાયા હતા.