ભારતની સૌથી મૂલ્યવાન ઓનલાઇન એજ્યુકેશન સ્ટાર્ટઅપ બાયજુનું બે વર્ષના સમયગાળામાં આખરે નાટકીય પતન થયું છે. નેશનલ કંપની લો ટ્રિબ્યુનલે ઓનલાઈન બાયજૂસ વિરૂદ્ધ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે દાખલ કરીલે નાદારીની અરજી મંગળવારે સ્વીકારી લીધી હતી. હવે આ કંપનીની નાદારીની પ્રક્રિયા ચાલુ થશે અને તેનું વેચાણ થશે. માર્ચ 2022માં 22 અબજ ડોલરના વેલ્યુએશન સાથે બાયજુ ભારતનું સૌથી મૂલ્યવાન સ્ટાર્ટઅપ હતું. જોકે ઝડપથી વિસ્તરણ કરવાની યોજના ઉંધી પડી હતી.
બીસીસીઆઇએ રૂ.158 કરોડના બાકી લેણા માટે ઈનસોલ્વન્સી પ્રક્રિયા શરૂ કરવાની માગ કરી હતી. જેને એનસીએલટીની બેંગ્લુરૂ બેન્ચે મંજૂરી આપી હતી. ટ્રિબ્યુનલે વચગાળાના રિઝોલ્યુશન પ્રોફેશનલ તરીકે પંકજ શ્રીવાસ્તવની નિમણૂક કરી હતી. ભારતીય ક્રિકેટ ટીમની ટી-શર્ટ પર બાયજૂસની સ્પોન્સરશીપ મામલે બીસીસીઆઈ સાથે કરેલા કોન્ટ્રાક્ટમાં ચૂકવણી કરવામાં બાયજૂસ નિષ્ફળ રહેતાં બીસીસીઆઈએ આ અરજી કરી હતી.
એક વર્ષ પહેલા બાયજુના રવીન્દ્રનની નેટવર્થ ₹17,545 કરોડ ($2.1 બિલિયન) હતી અને વૈશ્વિક ધનિકોની યાદીમાં તેમનો સમાવેશ થતો હતો. જોકે તાજેતરમાં જ બહાર પાડવામાં આવેલ ફોર્બ્સ બિલિયોનેર ઈન્ડેક્સ 2024 મુજબ રવિન્દ્રનની નેટવર્થ ઘટી શૂન્ય થઈ ગઈ છે.
2011માં સ્થપાયેલ બાયજુ ઝડપથી ભારતની સૌથી મૂલ્યવાન સ્ટાર્ટઅપ કંપની બની હતી. રવિન્દ્રનના મગજની ઉપજએ ગણાતી આ કંપનીએ તેની નવીન લર્નિંગ એપ્લિકેશન સાથે શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિ લાવી હતી. તે પ્રાથમિક શાળાથી લઈને MBA સુધીના વિદ્યાર્થીઓને એજ્યુકેશન સર્વિસ પૂરી પાડે છે. જો કે, તાજેતરના નાણાકીય જાહેરાતો અને વધતા જતા વિવાદોથી કંપનીના નસીબને ભારે ફટકો પડ્યો છે. લાંબા વિલંબ પછી બાયજુએ માર્ચ 2022ના રોજ પૂરા થતા નાણાકીય વર્ષ માટે તેના રિઝલ્ટ જાહેર કર્યા ત્યારે કંપનીની મુશ્કેલીઓ ખુલ્લી પડી ગઈ હતી, કંપનીએ $1 બિલિયનથી વધુની ચોખ્ખી ખોટ જાહેર થઈ હતી.