નાસાના એક મહત્ત્વપૂર્ણ સંશોધનમાં બહાર આવ્યું છે કે પૃથ્વીની તુલનામાં ચંદ્ર પર સમય ઝડપથી પસાર થાય છે. નાસાની જેટ પ્રોપલ્શન લેબોરેટરીના ભૌતિકશાસ્ત્રીઓની સંશોધનો મુજબ ચંદ્ર પરનો સમય પૃથ્વી કરતાં દરરોજ 0.0000575 સેકન્ડ વધુ ઝડપથી પસાર થાય છે.
આઇન્સ્ટાઇનના સામાન્ય સાપેક્ષાતાના સિદ્ધાંતોને આધારે કરવામાં આવેલી શોધ ભાવિ સ્પેસ મિશનો માટે ઘણી જ મહત્ત્વની છે. આઈન્સ્ટાઈનના સાપેક્ષતાના સામાન્ય સિદ્ધાંતમાં જણાવાયું છે કે ગુરુત્વાકર્ષણ બળના આધારિત સમય પસાર થાય છે. આ સિદ્ધાંત મુજબ જો ગુરુત્વાકર્ષણ બળ મજબૂત હોય તો સમય ઓછો ઝડપથી પસાર થાય છે. પૃથ્વીની તુલનામાં ચંદ્ર પર ગુરુત્વાકર્ષણ માત્ર છઠ્ઠા ભાગનું છે, તેથી ચંદ્ર પર સમય થોડો ઝડપથી પસાર થાય છે.
નાસાની જેટ પ્રોપલ્શન લેબોરેટરીના ભૌતિકશાસ્ત્રીઓની ટીમે આ તફાવતનું પ્રમાણ નક્કી કર્યું છે. તેમના સંશોધનો દર્શાવે છે કે ચંદ્ર પરનો સમય પૃથ્વી કરતાં દરરોજ 0.0000575 સેકન્ડ વધુ ઝડપથી પસાર થાય છે. આ તફાવત પ્રથમ નજર નગણ્ય લાગે છે, પરંતુ લાંબા સમયગાળા અને અંતર પર તે ઘણો મોટો બની જાય છે. અવકાશ મિશનની સફળતા માટે ચોક્કસ સમય માપન ખૂબ જરૂરી હોય છે, કારણ કે નેવિગેશન સિસ્ટમ્સ, કોમ્યુનિકેશન, ડોકિંગ અને લેન્ડિંગ બધું સચોટ સમય પર અવલંબે છે.
0.0000575 સેકન્ડ પ્રતિ દિવસના તફાવત પર નક્કી કરવા માટે વૈજ્ઞાનિકોએ સૂર્યમંડળના બેરીસેન્ટરની તુલનામાં પૃથ્વી અને ચંદ્ર પરના ટાઇમ પેસેજની ગણતરી કરી હતી. બેરિસેન્ટર એક કોમન સેન્ટર છે, જેની આસપાસ સૂર્ય, ગ્રહો અને ઉપગ્રહો પરિભ્રમણ કરે છે. આ ગણતરીને યુએસ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્ટાન્ડર્ડ્સ એન્ડ ટેક્નોલોજીની અન્ય ટીમ દ્વારા સમર્થન આપવામાં આવ્યું હતું.