ટાટા ગ્રૂપની માલિકીની એર ઈન્ડિયાએ 2024-25ના વિન્ટર શિડ્યુલ દરમિયાન અમેરિકાના સિએટલ, લોસ એન્જલસ અને ડલ્લાસ માટે ડાયરેક્ટ ફ્લાઈટ્સ શરૂ કરવાની યોજના બનાવી છે. સિએટલની ફ્લાઇટ માટે A350 પ્લેન તથા લોસ એન્જલસ અને ડલ્લાસ માટે B777 વિમાનો તૈનાત કરવામાં આવે તેવી શક્યતા છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.
આ અલ્ટ્રા લોંગ હોલ ફ્લાઇટ્સ હશે, જેનો સામાન્ય રીતે અર્થ થાય છે કે સમયગાળો 16 કલાકથી વધુ હશે. એર ઈન્ડિયા એકમાત્ર ભારતીય એરલાઈન છે, જે અમેરિકા માટે ફ્લાઈટ્સ ચલાવે છે. એરલાઇન હાલમાં સાન ફ્રાન્સિસ્કો, શિકાગો, ન્યુયોર્ક-JFK, નેવાર્ક અને વોશિંગ્ટન એમ પાંચ ડેસ્ટિનેશન માટે ફ્લાઈટ્સ સર્વિસ ઓફર કરે છે.
એર ઇન્ડિયા આશરે 10 વર્ષ પછી નવા અમેરિકન ડેસ્ટિનેશન માટે તેની સેવાનું વિસ્તરણ કરી રહી છે. એર ઈન્ડિયા ભારત અને અમેરિકા વચ્ચે દર સપ્તાહે 120થી વધુ ફ્લાઈટ્સનું સંચાલન કરે છે. લોસ એન્જેલસ અને ડલાસમાં વિશાળ ઇન્ડિયન ડાયસ્પોરા છે.