વિદ્યાર્થીઓના ભારે વિરોધ પછી ગુજરાત સરકારે મંગળવારે સરકાર સંચાલિત ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી (GMERS)ની કોલેજોમાં મેડિકલ અભ્યાસક્રમ માટે ફીમાં કરેલા તોતિંગ વધારાને પાછો ખેંચી લીધો હતો. રાજ્યમાં GMERSની 13 કોલેજો અને તેની ફીમાં 88 ટકા સુધીનો ધરખમ વધારો કરાયો હતો.
આ અંગેની જાહેરાત કરતાં આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના વડપણ હેઠળ યોજાયેલી કેબિનેટ બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ રાજ્યના મેડિકલ વિદ્યાર્થીઓના હિતમાં GMERS કોલેજની ફીમાં ઘટાડો કરાયો છે. આ મુજબ ગવર્નમેન્ટ ક્વોટામાં રૂ.3.75 લાખ અને મેનેજમેન્ટ ક્વોટોમાં રૂ.12 લાખ ફી રહેશે.
28 જૂને સરકારે 2024-25 માટે GMERS કોલેજોમાં સરકારી ક્વોટામાં 67 ટકા અને મેનેજમેન્ટ ક્વોટામાં 88 ટકાનો વધારો કરવાની જાહેરાત કરી હતી. NRI ક્વોટામાં $3,000નો વધારો પણ જાહેર કરાયો હતો. સરકારી ક્વોટાની સીટો માટેની ફીને વાર્ષિક રૂ.3.3 લાખથી વધારીને રૂ.5.5 લાખ કરાઈ હતી. મેનેજમેન્ટ ક્વોટા ફી રૂ.9 લાખથી વધારીને રૂ.17 લાખ કરાઈ હતી. એનઆરઆઈ કોટાની વાર્ષિક ફી 22 હજાર યુ.એસ. ડોલરથી વધારી 25 હજાર ડોલર કરાઈ હતી.