(Photo by Win McNamee/Getty Images)

અમેરિકામાં રિપબ્લિકન પ્રેસિડેન્શિયલ ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પે ઓહાયોના સેનેટર જેમ્સ ડેવિડ (જેડી) વેન્સને તેમના રનિંગ મેટ બનાવવાની જાહેરાત કરી હતી. આનો અર્થ એવો થાય છે કે જો ટ્રમ્પ પ્રેસિડન્ટ બનશે તો તેઓ જેડી વેન્સને વાઇસ પ્રેસિડન્ટ બનાવશે. 39 વર્ષીય વેન્સે ભારતીય અમેરિકન ઉષા ચિલુકુરી વેન્સ સાથે લગ્ન કર્યા છે. ઉષા ચિલકુરી આંધ્રપ્રદેશ મૂળના છે.

મિલવૌકીમાં રિપબ્લિકન નેશનલ કન્વેન્શનના પ્રારંભિક દિવસે ટ્રમ્પે આ મહત્ત્વની જાહેરાત કરી હતી. સોમવારે તેમના સોશિયલ નેટવર્ક ટ્રુથ પર તેમણે જણાવ્યું હતું કે લાંબા વિચાર-વિમર્શ પછી અને બીજા ઘણા લોકોની જબરદસ્ત પ્રતિભાને ધ્યાનમાં લીધા પછી મેં નક્કી કર્યું છે કે અમેરિકાના ના વાઇસ પ્રેસિડેન્ટનું પદ ધારણ કરવા માટે સૌથી યોગ્ય વ્યક્તિ  ગ્રેટ સ્ટેટ ઓહાયોના સેનેટર જેડી વેન્સ છે.”

ભૂતપૂર્વ પ્રેસિડન્ટે જણાવ્યું હતું કે જેડીએ મરીન કોર્પ્સમાં સન્માનપૂર્વક આપણા દેશની સેવા કરી છે. ઓહિયો સ્ટેટ યુનિવર્સિટીમાંથી બે વર્ષમાં સ્નાતક થયા છે. તેઓ યેલ લૉ સ્કૂલ ગ્રેજ્યુએટ છે, જ્યાં તેઓ ધ યેલ લૉ જર્નલના એડિટર અને યેલ લૉ વેટરન્સ એસોસિએશનના પ્રમુખ હતાં. J.D.નું પુસ્તક, “Hillbilly Elegy” બેસ્ટ સેલર બન્યું હતું અને તેના પરથી મૂવી બની હતી. તે આપણા દેશના મહેનતુ પુરુષો અને સ્ત્રીઓને બિરદાવે છે. જે.ડી. ટેક્નોલોજી અને ફાઇનાન્સમાં ખૂબ જ સફળ કારકિર્દી ધરાવે છે.

LEAVE A REPLY