(ANI Photo)
ઝિમ્બાબ્વેના પ્રવાસમાં ભારતીય ક્રિકેટ ટીમે પાંચ ટી-20 ઈન્ટરનેશનલ્સની સીરીઝમાં પહેલી મેચ ગુમાવ્યા પછી જબરજસ્ત વળતા પ્રહારમાં યજમાન ટીમને બાકીની ચારેય મેચમાં હરાવી સીરીઝમાં 4-1થી વિજય નોંધાવ્યો હતો. રવિવારે રમાયેલી છેલ્લી મેચમાં ભારતે ઝિમ્બાબ્વેને 42 રને હરાવ્યું હતું. પાંચેય મેચ હરારે ખાતે સ્પોર્ટ્સ ક્લબના મેદાન ઉપર રમાઈ હતી.
પાંચમી અને અંતિમ મેચમાં ઝિમ્બાબ્વેના સુકાની સિકંદર રઝાએ ટોસ જીતી ભારતને પહેલા બેટિંગ લેવા કહ્યું હતું. ભારતે નબળી શરૂઆત સાથે પાંચમી ઓવરમાં જ 40 રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી અને તેમાં બન્ને ઓપનર્સ તેમજ ત્રીજા ક્રમના અભિષેક શર્માનો પણ સમાવેશ થાય છે. એ પછી વિકેટ કીપર સંજુ સેમસન, રીઆન પરાગ અને શિવમ્ દુબેએ બાજી સંભાળી લીધી હતી અને સંજુ સેમસને મહત્ત્વની અડધી સદી (58) તેમજ પરાગે 22 તથા દુબેએ 26 રન કરી ટીમને 6 વિકેટે 167 રન સુધી પહોંચાડી હતી. ઝિમ્બાબ્વે તરફથી મુઝારાબાનીએ ચાર ઓવરમાં ફક્ત 19 રન આપી બે વિકેટ લીધી હતી અને તે સૌથી કરકસરયુક્ત બોલર રહ્યો હતો, બાકી ત્રણ બોલર્સને એક-એક વિકેટ મળી હતી, તો ફરાઝ અક્રમને એકપણ વિકેટ નહોતી મળી, અક્રમ તથા માવુટા ચાર ઓવરમાં 39-39 તથા સિકંદર રઝા ચાર ઓવરમાં 37 રન આપી મોંઘા રહ્યા હતા.
જવાબમાં ઝિમ્બાબ્વેની ટીમ 18.3 ઓવર્સમાં 125 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ડિઓન મેયર્સે 34, ઓપનર મરૂમાની અને ફરાજ અક્રમે 27-27 રન કર્યા હતા, તો એ સિવાય ફક્ત બેનેટ 10 રન સાથે બે આંકડાના સ્કોરે પહોંચી શક્યો હતો. ભારત તરફથી ફાસ્ટ બોલર મુકેશ કુમારે 3.3 ઓવરમાં 22 રન આપી ચાર વિકેટ લીધી હતી, તો શિવમ્ દુબેએ બે અને સુંદર, તુષાર દેશપાંડે તથા અભિષેક શર્માએ એક-એક વિકેટ લીધી હતી. ભારત તરફથી એકમાત્ર દુબે ચાર ઓવર પુરી કરી હતી.
શિવમ્ દુબેને પ્લેયર ઓફ ધી મેચ તથા વોશિંગ્ટન સુંદરને પ્લેયર ઓફ ધી સીરીઝ જાહેર કરાયા હતા.
આ સાથે, ભારતીય ટીમ હવે વિદેશમાં સૌથી વધુ 51 ટી-20 મેચ જીતનારી પ્રથમ ટીમ બની છે. ભારતીય ટીમ અત્યાર સુધી વિદેશની ધરતી પર 82 ટી-20 મેચ રમી છે, જેમાંથી 51 મેચમાં તે વિજેતા રહી છે તો 27 મેચમાં તેનો પરાજય થયો છે. 3 મેચ ટાઈ રહી છે અને એકનું કોઈ પરિણામ આવ્યું નથી.
ચોથી ટી-20માં ભારતનો 10 વિકેટે વિજયઃ એ અગાઉ, શનિવારે રમાયેલી ચોથી ટી-20માં ભારતે 10 વિકેટે ઝિમ્બાબ્વેને હરાવ્યું હતું. ભારતના સુકાની શુભમન ગિલે ટોસ જીતી ઝિમ્બાબ્વેને પહેલા બેટિંગમાં ઉતાર્યું હતું. ઝિમ્બાબ્વેએ 20 ઓવર્સમાં 7 વિકેટે 152 રન કર્યા હતા, જેના જવાબમાં ભારતે 15.2 ઓવર્સમાં એકપણ વિકેટ ગુમાવ્યા વિના 156 રન કરી જંગી વિજય નોંધાવ્યો હતો. ભારત તરફથી યશસ્વી જયસ્વાલે અણનમ 93 અને સુકાની શુભમન ગિલે અણનમ 58 રન કર્યા હતા. જયસ્વાલને પ્લેયર ઓફ ધી મેચ જાહેર કરાયો હતો.
ત્રીજી ટી-20માં ભારતનો 23 રને વિજયઃ ગયા સપ્તાહે બુધવારે રમાયેલી ત્રીજી ટી-20માં ભારતે ઝિમ્બાબ્વેને 23 રન હરાવ્યું હતું. ભારતે ટોસ જીતી પહેલા બેટિંગ લેવાનું નક્કી કર્યું હતું અને 20 ઓવરમાં 4 વિકેટે 182 રન કર્યા હતા. શુભમન ગિલે 66 અને ઋતુરાજ ગાયકવાડે 49 કર્યા હતા, તો જયસ્વાલે 36 રન કર્યા હતા. જવાબમાં ઝિમ્બાબ્વે 20 ઓવરમાં 6 વિકેટે 159 સુધી જ પહોંચી શકી હતી. 4 ઓવરમાં ફક્ત 15 રન આપી 3 વિકેટ લઈ ઝિમ્બાબ્વેની બેટિંગ ઉપર છવાઈ ગયેલા વોશિંગ્ટન સુંદરને પ્લેયર ઓફ ધી મેચ જાહેર કરાયો હતો.

LEAVE A REPLY