સ્પેનના ૨૧ વર્ષના યુવા ટેનિસ સ્ટાર કાર્લોસ અલ્કારાઝે રવિવારે વિમ્બલડનની ફાઈનલમાં ડીફેન્ડીંગ ચેમ્પિયન તરીકે તેના સર્બીઆના હરીફ યોકોવિચને સીધા સેટમાં ૬-૨, ૬-૨, ૭-૬(૪) થી હરાવીને આગવો ઈતિહાસ રચ્યો હતો. અલ્કારાઝે આ સાથે ગ્રાન્ડ સ્લેમ ફાઈનલમાં ૧૦૦ ટકા વિજયનો રેકોર્ટ જાળવી રાખી સતત ચોથું ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ હાંસલ કર્યું હતું. તે ટેનિસના ઓપન એરામાં કારકિર્દીની પહેલી ચારેય ગ્રાન્ડ સ્લેમ ફાઈનલ જીતનારો સ્વિત્ઝર્લેન્ડના દિગ્ગજ રોજર ફેડરર પછી બીજો ખેલાડી બન્યો છે. મહિલા સિંગલ્સમાં શનિવારે ચેક રીપબ્વિકની બાર્બોરા ક્રેજસીકોવાએ ઈટાલીની જેસ્મીન પાઓલિનીને સંઘર્ષભર્યા મુકાબલામાં ૬-૨, ૨-૬, ૬-૪થી ટાઈટલ હાંસલ કર્યું હતુ. ક્રેજસીકોવાનું આ બીજું ગ્રાન્ડસ્લેમ અને પહેલું વિમ્બલડન ટાઈટલ છે. પાઓલીનીએ ફ્રેન્ચ ઓપન પછી વિમ્બલડનની પણ ફાઈનલમાં પરાજયનો આંચકો ખમવો પડ્યો હતો.
પુરૂષોની ડબલ્સમાં હેનરી પેટેન – હેરી હેલીઓવારા વિજેતાઃ પુરૂષોની ડબલ્સમાં બ્રિટનના હેનરી પેટેન અને ફિન્લેન્ડના હેરી હેલીઓવારાએ ફાઈનલમાં ઓસ્ટ્રેલિયન જોડી મેક્સ પર્સેલ અને જોર્ડન થોમ્સનને 6-7(7), 7-6(8), 7-6(9) થી હરાવી હતી. હેનરી અને હેરીની જોડી 2014 પછી ચેમ્પિયન બનેલી પહેલી અનસીડેડ જોડી બની છે. પેટન માટે તો આ તેની સૌપ્રથમ ગ્રાંડ સ્લેમ ફાઈનલ હતી.
મહિલા ડબલ્સમાં ટેલર ટાઉનસેન્ડ – કેટરીના સિનિઆકોવા વિજેતાઃ મહિલા ડબલ્સમાં અમેરિકાની ટેલર ટાઉનસેન્ડ અને ચેક રીપબ્લિકની કેટરીના સિનિઆકોવાએ શનિવારે ફાઈનલમાં કેનેડાની ગેબ્રીએલા ડેબ્રોવ્સ્કી અને ન્યૂઝીલેન્ડની એરિન રૂટલાઈફને હરાવી તાજ હાંસલ કર્યો હતો. ટેલર માટે આ તેનું પ્રથમ ગ્રાંડ સ્લેમ ટાઈટલ હતું, તો સિનિઆકોવા આ અગાઉ પણ આઠ ગ્રાંડસ્લેમમાં વિજેતા રહી ચૂકી હતી. ચેમ્પિયન જોડીએ તેમના હરીફોને 7-6(5), 7-6(1) થી હરાવ્યા હતા.
સિએહ સુ-વેઈ અને ઝિલિન્સ્કી મિક્સ્ડ ડબલ્સ ચેમ્પિયનઃ તાઈવાનની સિએહ સુ-વેઈ અને પોલેન્ડના જાન ઝિલિન્સ્કીએ વિમ્બલ્ડન મિક્સ્ડ ડબલ્સની ફાઈનલમાં મેક્સિકન જોડી સાન્ટીઆગો ગોન્ઝાલેઝ અને ગિઉલિઆના ઓલ્મોસને સીધા સેટમાં 6-4, 6-2થી હરાવી ટાઈટલ હાંસલ કર્યું હતું. આ જોડી માટે તેમનું આ બીજું મિક્સ્ડ ડબલ્સનું ગ્રાંડ સ્લેમ ટાઈટલ હતું. અગાઉ તેઓ આ વર્ષે જ ઓસ્ટ્રેલિયન ઓપનમાં ચેમ્પિયન બન્યા હતા.