પ્રતિકાત્મક તસવીર (istockphoto)
ભારતની વસ્તી 2060ના દાયકાના પ્રારંભમાં આશરે 1.7 અબજની ટોચે પહોંચવાનો અને તે પછી તેમાં આશરે 12 ટકાના દરે ઘટાડો થવાનો અંદાજ છે. જોકે વસ્તીમાં આ અંદાજિત ઘટાડા પછી પણ સમગ્ર સદી દરમિયાન ભારત વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવતા દેશ બની રહેશે, એમ સંયુક્ત રાષ્ટ્ર (યુએન)એ જણાવ્યું હતું.
ગુરુવારે જારી કરેલા વર્લ્ડ પોપ્યુલેશન પ્રોસ્પેક્ટ્સ 2024 રિપોર્ટમાં જણાવાયું છે કે આગામી 50થી 60 વર્ષ સુધી વિશ્વની વસ્તી સતત વધતી રહેવાની ધારણા છે. વિશ્વની વસ્તી 2080ના દાયકાના મધ્ય સુધીમાં આશરે 10.3 અબજની ટોચે પહોંચવાની ધારણા છે, જે 2024માં 8.2 અબજ છે. વિશ્વની વસ્તી 10.3 અબજની ટોચે પહોંચ્યા પછી તેમાં ધીમે ધીમે ઘટાડો ચાલુ થશે અને તે આ સદીના અંત સુધીમાં ઘટી 10.2 અબજ થવાનો અંદાજ છે.
ભારત ગયા વર્ષે ચીનને વટાવી વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બન્યો હતો અને 2100 સુધી આ સ્થાન જાળવી રાખશે. રિપોર્ટમાં જણાવ્યા અનુસાર 2024માં ભારતની વસ્તી 1.45 અબજ હોવાનો અંદાજ છે અને તે 2054માં વધી 1.69 અબજ થઈ જશે. આ પછી ભારતની વસ્તી આ સદીના અંત એટલે 2100માં ઘટી 1.5 અબજ થવાનો અંદાજ છે, પરંતુ દેશ પૃથ્વી પર સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બની રહેશે.
અહેવાલમાં જણાવાયું છે કે ચીનની વસ્તી, જે હાલમાં 1.41 અબજ છે, તે 2054માં ઘટીને 1.21 અબજ થઈ જશે અને 2100 સુધીમાં તે વધુ ઘટીને 63.3 કરોડ થઈ જશે. 2024થી 2054ની વચ્ચે ચીનની વસ્તીમાં 20.3 કરોડનો ઘટાડો થશે, જે વિશ્વમાં સૌથી વધુ ઘટાડો હશે. આ સમયગાળામાં જાપાનની વસ્તીમાં 2.1 કરોડ અને રશિયાની વસ્તીમાં એક કરોડનો ઘટાડો થવાનો અંદાજ છે.
પાકિસ્તાનની વસ્તી 2054 સુધીમાં 38.9 કરોડ થવાનો અંદાજ છે અને તે અમેરિકાને પાછળ રાખીને વિશ્વનો ત્રીજા ક્રમે સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બનશે. હાલમાં અમેરિકા 34.5 કરોડની વસ્તી સાથે વિશ્વમાં ત્રીજા ક્રમનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ છે અને 2054માં તેની વસ્તી 38.4 કરોડ થશે અને તે ચોથા ક્રમનો સૌથી વધુ વસ્તી ધરાવતા દેશ બનશે. પાકિસ્તાન 2100 સુધીમાં 51.1 કરોડની વસ્તી સાથે વિશ્વમાં ત્રીજા ક્રમનો સૌથી મોટો દેશ બની રહેશે.

LEAVE A REPLY