બોલીવૂડમાં અત્યારે એક મુદ્દો ચર્ચામાં છે. ફિલ્મ નિર્માતાઓએ એવી વ્યથા વ્યક્ત કરી છે કે, ખૂબ જ સફળ થયેલા કલાકારો તેમની પાસેથી સ્ટારડમના કારણે અધધધધ…કહી શકાય તેટલી ફી વસૂલી રહ્યા છે. છેલ્લા કેટલાક સમયથી આ નિર્માતાઓ દાવો કરી રહ્યા છે કે ફિલ્મોનું નિર્માણ ખૂબ જ મોંઘું બની રહ્યું છે. નિર્માતાઓએ ફિલ્મો બનાવવા માટે ઘણા નાણા ખર્ચવા પડે છે અને આ ખર્ચા ફિલ્મ પર નહીં પરંતુ સફળ કલાકારો સાથે આવનારી ટીમ માટે કરવા પડે છે. ઘણા જાણીતા ફિલ્મ નિર્માતાઓએ એ દાવો કર્યો છે કે આજકાલ જે ખર્ચ ફિલ્મની સારી ગુણવત્તા પર થવો જોઇએ તેના બદલ તે કલાકારોની ટીમ માટે ખર્ચવામાં આવે છે. હવે આવા ખર્ચાઓ સામે બોલીવૂડમાં નારાજગી વ્યક્ત કરવામાં આવી રહી છે.
કરણ જોહરઃ
બોલીવૂડની ફિલ્મોમાં ખૂબ જ ઉંચી ફી વસૂલતા અભિનેતા અને અભિનેત્રીઓ સામે જાણીતા ફિલ્મકાર કરણ જોહરે નારાજગી વ્યક્ત કરી હતી. મુંબઇની ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સતત ફ્લોપ જઈ રહેલી ફિલ્મો વચ્ચે કરણે જોહરે ચિંતા વ્યક્ત કરી છે. વર્તમાન વર્ષ હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે અત્યાર સુધી નબળું રહ્યું છે. 2023માં રિલીઝ થયેલી ‘જવાન’એ 1160 કરોડની કમાણી કરી હતી. જ્યારે આ વર્ષની સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ ‘ફાઇટર’એ માંડ 358 કરોડનો બિઝનેસ કર્યો હતો.
આ અંગે કરણ જોહરે કહ્યું હતું કે, હવે ફિલ્મમાં સફળતાના માપદંડો બદલવાનો સમય થઇ ગયો છે. એક ઇન્ટરવ્યૂમાં કરણે જણાવ્યું હતું કે,“ હવે દર્શકોની પસંદ ફિલ્મો ખૂબ જ ચોક્કસ પ્રકારની થઈ ગઈ છે. તેમને એક ચોક્કસ પ્રકારની ફિલ્મો જોવી પસંદ છે. જો તમારે નિશ્ચિત રકમનો બિઝનેસ કરવો હોય તો તમારી ફિલ્મ એ, બી અને સી બધા જ પ્રકારના વિસ્તારોમાં સારી રીતે ચાલવી જોઈએ. માત્ર મલ્ટિપ્લેક્સ પર્યાપ્ત નથી. હવે ફિલ્મ બનાવવાનો ખર્ચ પણ વધી ગયો છે. સામે ફુગાવો પણ એટલો જ છે. બોલીવૂડમાં માંડ 10 અભિનેતા એવા છે જે ચાલે છે, પણ તે લોકોને સૂર્ય, ચંદ્ર, તારા અને પૃથ્વી બધું જ જોઈએ છે. તેથી તમે તેમને માગે તેટલી ફી આપો, પછી તમે ફિલ્મનો ખર્ચ પણ આપો. પછી ફિલ્મ બનાવવાના ખર્ચ આવે. અંતે તમારી ફિલ્મ નિષ્ફળ જાય. જે ઉચ્ચ કક્ષાના કલાકાર ફી માટે રૂ. 35 કરોડ માગે છે, તેની ફિલ્મ 3.5 કરોડ પણ નથી કમાતી. આ બિઝનેસ કઈ રીતે ચાલે? આમ છતાં તમારે ફિલ્મો બનાવતા રહેવી પડે અને કન્ટેન્ટ બનાવતા રહેવું પડે કારણ કે તમારે પણ તમારી કંપની ચલાવવાની છે. આમ એક સાથે અનેક બાબતો ભવિષ્ય પર નિર્ભર હોય છે.”
ફરાહ ખાનઃ
જાણીતી કોરિયોગ્રાફર અને નિર્માત્રી ફરાહ ખાને દિગ્દર્શક તરીકે પોતાની પ્રથમ ફિલ્મ ‘મેં હું ના’ બનાવી હતી, જે ઘણી સફળ રહી હતી. ફરાહે નિર્માતા તરીકે પાંચ ફિલ્મો બનાવી છે, તેથી નિર્માતા તરીકે તે આ બાબતોથી સારી રીતે માહિતગાર છે. ફરાહએ કહ્યું હતું કે, હું બોલીવૂડમાં ફેરફાર કરવા ઇચ્છું છું. કારણ કે, મોટા કલાકારો અને તેમની ટીમનો ખર્ચ ઘણો વધી ગયો છે. એક સફળ અભિનેત્રી નવ લોકોની ટીમ સાથે આવે છે. એક અભિનેતા તેની સાથે આઠ લોકોને લાવે છે. આ નાણાનો બગાડ છે. આ પૈસાનો ફિલ્મમાં ક્યાંય ઉપયોગ થતો નથી. તેના પર થોડો અંકુશ જરૂરી છે, જે ફિલ્મકારોને ભારે પડે છે. ફરાહે પોતાની કારકિર્દીની શરૂઆત કોરિયોગ્રાફ તરીકે કરી હતી. તેણે કોરિયોગ્રાફર તરીકે ઘણા મોટા કલાકારો સાથે કામ કર્યું છે.
અનુરાગ કશ્યપ
બોલીવૂડમાં અનુરાગ કશ્યપ ખૂબ જ જાણીતા દિગ્દર્શક છે. તેમણે ઘણી સુપરહિટ ફિલ્મો બનાવી છે. તેઓ અલગ પ્રકારની ફિલ્મો બનાવે છે. તેમણે આ અંગે જણાવ્યું હતું કે, ફિલ્મ ઇન્ડ્રસ્ટ્રીમાં ઘણા ફાલતુ ખર્ચા થાય છે. ફિલ્મો મોંઘી થઈ ગઈ છે. કારણ કે કલાકારોની માગ ઘણી વધી ગઈ છે. લોકોએ એક વાત સમજવાની જરૂર છે કે જ્યારે આપણે ફિલ્મ બનાવીએ છીએ, આપણે કામ કરી રહ્યા છીએ, આપણે કંઈક બનાવી રહ્યા છીએ. આ કોઈ પિકનીક નથી. ફિલ્મ બનાવવા પાછળ ઘણા નાણા ખર્ચાતા નથી, પરંતુ તે નકામી બાબતો પર ખર્ચાવાના કારણે મોંઘી બને છે. જ્યારે જંગલની મધ્યમાં શૂટિંગ થઈ રહ્યું હોય છે ત્યારે શૂટિંગના સ્થળથી ત્રણ કલાક દૂરના શહેરમાં કલાકારો માટે સારામાં સારું બર્ગર લેવા માટે એક ખાસ કાર દોડાવવામાં આવે છે.
આ વાત છે બોલીવૂડના જાણીતા કલાકારોની જેઓ તેમની ફિલ્મો માટે કરોડો રૂપિયાની ફી લે છે. આવા કલાકારોની ફી ચૂકવાવમાં નિર્માતાઓના ખિસ્સા ખાલી થઈ ગયા છે. બોલીવૂડની જેમ સાઉથ ઇન્ડિયાની ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કલાકારોની માગણી પણ ઓછી નથી. ત્યાંના કલાકારો પણ તેમની એક ફિલ્મ માટે કરોડો રૂપિયાની ફી વસૂલે છે. ફિલ્મોના ચાહકોમાં સાઉથ ઇન્ડિયાની ફિલ્મોનું આકર્ષણ પણ વધી રહ્યું છે. આ સ્થિતિમાં ફિલ્મના કલાકારોની ફી પણ સતત વધી રહી છે. સૂત્રોના જણાવ્યા મુજબ સાઉથના ઘણા કલાકારો તેમની ફિલ્મો માટે રૂપિયા 100 કરોડ ફી લે છે. બોલીવૂડની જેમ ત્યાંના નિર્માતાઓ પણ કલાકારોની ફી અને ખર્ચા ચૂકવવા સામે નારાજગી વ્યક્ત કરતા રહે છે.
કયા કલાકારો કેટલી ફી લે છે ?
રજનીકાંતઃ 150 કોરોડ
કમલ હાસનઃ 100 થી 150 કરોડ
શાહરુખ ખાનઃ 150 થી 250 કરોડ
વિજય થલપતિઃ 130 કરોડ
અલ્લુ અર્જુનઃ 100 થી 125 કરોડ
પ્રભાસઃ 100 કરોડ