અમેરિકાનાં વાઇસ પ્રેસિડેન્ટ કમલા હેરિસે તાજેતરમાં જણાવ્યું હતું કે, ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ અને રીપબ્લિકન દાવેદાર ડોનાલ્ડ ટ્રમ્પ દેશના લોકતંત્રને સરમુખત્યારશાહીમાં ફેરવવાની ઇચ્છા રાખે છે. હેરિસે લાસ વેગાસમાં AANHPIs ફોર બાઇડેન-હેરિસ પ્રોગ્રામ લોન્ચ કર્યો હતો. આ એક રાષ્ટ્રીય આયોજન અને એકબીજાને જોડવાનો કાર્યક્રમ છે, જે સમગ્ર દેશમાં એશિયન અમેરિકન, નેટિવ હવાઇયન અને પેસિફિક આઇલેન્ડર (AANHPI) મતદારો, સમુદાયો અને નેતાઓને સંગઠિત કરશે. આ વેળાએ હેરિસે જણાવ્યું હતું કે, “ડોનાલ્ડ ટ્રમ્પ આપણી લોકશાહીને સરમુખત્યારશાહીમાં ફેરવવા ઇચ્છે છે. અને સુપ્રીમ કોર્ટે મૂળભૂત રીતે જાહેર કર્યું હતું કે, તે તેનાથી મુક્તી મેળવી શકે છે.” હેરિસે આરોપ મૂક્યો હતો કે ટ્રમ્પના સલાહકારોએ 900 પાનાની બ્લુપ્રિન્ટ બનાવી છે જેને તેઓ “પ્રોજેક્ટ 2025” કહે છે, જેમાં બીજા કાર્યકાળમાં તેમના દ્વારા ભવિષ્યની તમામ યોજનાઓની વિસ્તૃત માહિતી આપવામાં આવી છે, તેમાં સામાજિક સુરક્ષામાં કાપ મૂકવાની યોજના, ઇન્સ્યુલિન પર 35 ડોલરની મર્યાદાને રદ કરવાની યોજના, શિક્ષણ વિભાગને નાબૂદ કરો અને હેડ સ્ટાર્ટ જેવા કાર્યક્રમો બંધ કરવા જેવી યોજનાનો સમાવેશ થાય છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “આ પ્રોજેક્ટ 2025માં ગર્ભનિરોધકને મર્યાદિત કરવા અને કોંગ્રેસના અધિનિયમ સાથે અથવા તેના વગર દેશવ્યાપી ગર્ભપાત પ્રતિબંધ માટેની યોજનાની રૂપરેખા તૈયાર કરવામાં આવી છે. જો તેને અમલમાં મૂકવામાં આવે, તો આ યોજના પ્રજનન સ્વતંત્રતા પર ડોનાલ્ડ ટ્રમ્પનો નવો હુમલો હશે.” હેરિસે લોકોને કહ્યું હતું કે, જ્યારે તેમની માતાની ઉંમર માત્ર 19 વર્ષની હતી ત્યારે તેઓ ભારતથી અમેરિકા આવ્યા હતા.

LEAVE A REPLY