એશિયન અમેરિકન્સ એડવાન્સિંગ જસ્ટિસ (AAJC) સંસ્થાએ તાજેતરમાં અન્ય સાથે મળીને દ્વિવાર્ષિક એશિયન અમેરિકન વોટર સર્વે (AAVS) કર્યો હતો. આ સર્વેમાં AAPI મતદારોને આવરી લેવામાં આવ્યા હતા અને હવે તેના તારણો જાહેર કરવામાં આવ્યા છે. આ સર્વેક્ષણના તારણોમાં પ્રેસિડેન્ટ પદની આવનારી ચૂંટણીમાં સમુદાયમાં મુખ્ય વલણો અને ચિંતાઓ દર્શાવવામાં આવી છે.
આ સર્વેમાં 2, 479 એશિયન અમેરિકન મતદારોનો અનેક માધ્યમો દ્વારા પ્રતિભાવ જાણવામાં આવ્યો હતો. આ મતદારોના છ સૌથી મોટા વંશીય જૂથો (ચીની, ભારતીય, ફિલિપિનો, કોરિયન, વિયેતનામીઝ અને જાપાનીઝ)ની વર્ગીકૃત યાદીમાંથી પસંદ કરાયેલા ઉત્તરદાતાઓના ટેલિફોનિક ઇન્ટર્વ્યૂ કરવામાં આવ્યા હતા.
આ સર્વેના તારણો મુજબ 46 ટકા એશિયન અમેરિકન મતદારો સૂચવે છે કે તેઓ પ્રેસિડેન્ટ બાઇડેનને મત આપે તેવી શક્યતા છે, જે સંખ્યા 2020માં 54 ટકાથી ઘટી છે. દરમિયાન, જ્યારે ટ્રમ્પના સમર્થનમાં નજીવો વધારો થઇને 31 ટકા થયો છે, જે અગાઉની ચૂંટણીમાં 30 ટકા હતું. 5 ટકા ઉત્તરદાતાઓ અન્ય ઉમેદવારો પર વિચાર કરી રહ્યા છે, જે 2020માં માત્ર 1 ટકાથી નોંધપાત્ર વધારો છે. બાકીના મતદારો અનિર્ણિત છે અથવા તો તેમની પસંદગી જાહેર ન કરવાનું ઇચ્છે છે.
90 ટકા એશિયન અમેરિકન મતદારોએ આવનારી ચૂંટણીઓમાં મતદાન કરવાનો ઇરાદો વ્યક્ત કર્યો હતો. 68 ટકાએ જણાવ્યું હતું કે તેઓ મતદાનમાં ચોક્કસ ભાગ લેશે. આ સર્વેમાં કેટલાક મુખ્ય મુદ્દા ઉજાગર કરવામાં આવ્યા છે, જે વિશેષમાં વસ્તીવિષયક બાબત માટે મહત્વપૂર્ણ છે તેમાં શિક્ષણ (80 ટકા), રાષ્ટ્રીય સુરક્ષા (77 ટકા) અને ઇમિગ્રેશન (71 ટકા)નો સમાવેશ થાય છે. 77 ટકા એશિયન અમેરિકન મતદારો ગોળીબાર સંબંધિત ઘટનાઓમાં કડક વલણ દાખવવાનું સમર્થન કરે છે. તેમાંથી 53 ટકા મતદારોએ ગોળીબારથી હિંસાને નિવારવા અને જાહેર સલામતી વધારવા માટે વધુ કડક નિયમોની જરૂરિયાત પર “ખૂબ જ ભારપૂર્વક” સહમતી દર્શાવી છે.
જળવાયુ પરિવર્તન પણ એશિયન અમેરિકન મતદારો માટે અન્ય એક ચિંતાજનક મુદ્દો છે, જેમાં 69 ટકાથી વધુ લોકો તેની અસરોને ઘટાડવા માટે કોંગ્રેસ અને પ્રેસિડેન્ટ તરફથી મજબૂત કાયદાની હિમાયત કરે છે. સમુદાય જળવાયુ પરિવર્તનને નાથવા અને ભાવિ પેઢીઓ માટે પર્યાવરણની સુરક્ષા માટે નિર્ણાયક પગલાં લેવાનું કહે છે.
સર્વેમાં વધુમાં જાહેર કરવામાં આવ્યું છે કે, એશિયન અમેરિકન મતદારોમાં 68 ટકાથી વધુ લોકો હેઇટ ક્રાઇમ, હેરાનગતિ અને ભેદભાવ વિશે ચિંતિત છે.
એશિયન અમેરિકનો દેશમાં યોગ્યતા ધરાવતા મતદારોના સૌથી ઝડપથી વિકસતા જૂથ તરીકે ઊભરી આવ્યા છે, જે છેલ્લા ચાર વર્ષમાં 15 ટકાના દરે વિસ્તરી રહ્યા છે. 2016થી ફેડરલ ચૂંટણીઓમાં તેમનું મતદાન નિર્ણાયક રહ્યું છે, 2020માં નોંધપાત્ર ઉછાળા સાથે, ખાસ કરીને કેટલાક સંવેદનશીલ રાજ્યોમાં નવા એશિયન અમેરિકન મતદારોએ બાઇડેનની જીતમાં નિર્ણાયક ભૂમિકા ભજવી હતી.

LEAVE A REPLY