FILE PHOTO- Supreme Court of India
ભારતની સુપ્રીમ કોર્ટે બુધવારે એક મહત્વપૂર્ણ ચુકાદામાં જણાવ્યું હતું કે મુસ્લિમ મહિલાઓ સીઆરપીસીની કલમ ૧૨૫ હેઠળ પતિ પાસેથી ભરણપોષણ મેળવવા હકદાર છે. તમામ ધર્મની પરિણીત મહિલાઓને ‘ધાર્મિક રીતે તટસ્થ’ એવી આ જોગવાઇ લાગુ પડે છે. સર્વોચ્ચ અદાલતના આ ચુકાદાથી ૧૯૮૫ના બહુચર્ચિત શાહ બાનો કેસની યાદ તાજી થઈ હતી. તે વખતે પણ સીઆરપીસીની કલમ ૧૨૫ હેઠળ મુસ્લિમ મહિલાઓના ભરણપોષણ મેળવવાનો હક હોવાનું કોર્ટે કહ્યું હતું. જોકે તે સમયની રાજીવ ગાંધી સરકારે મુસ્લિમ તૃષ્ટીકરણ માટે સંસદમાં કાયદો પસાર કરીને સુપ્રીમ કોર્ટના આદેશને બિનઅસરકારક બનાવ્યો હતો.
સર્વોચ્ચ અદાલતે જણાવ્યું હતું કે મુસ્લિમ મહિલાના લગ્ન અને છૂટાછેડા ઇસ્લામના કાયદા પ્રમાણે થયા હોય તો સીઆરપીસીની કલમ ૧૨૫ તેમજ ૧૯૮૬ એક્ટ (મુસ્લિમ મહિલા છૂટાછેડાના અધિકાર સામે રક્ષણનો કાયદો) બંનેની જોગવાઇ લાગુ પડે છે. સમસ્યાના ઉકેલ માટે કોઇ એક અથવા બંને કાયદાનો ઉપયોગ કરવાનો વિકલ્પ મુસ્લિમ મહિલા પાસે હોય છે.
કોર્ટે મોહમ્મદ અબ્દુલ સમદની અપીલને ફગાવતી વખતે આવી ટિપ્પણી કરી હતી. સમદે પત્નીને ભરણપોષણ આપવાના તેલંગાણા હાઇકોર્ટના ચુકાદાને પડકાર્યો હતો. કોર્ટે જણાવ્યું હતું કે, છૂટાછેડા  પછી મુસ્લિમ મહિલા સીઆરપીસીની કલમ ૧૨૫ હેઠળ ભથ્થાની માંગણી  કરી શકે” બેન્ચે એવી પણ સ્પષ્ટતા કરી હતી કે, “સીઆરપીસીની કલમ ૧૨૫ હેઠળ પિટીશન પેન્ડિંગ હોય અને મુસ્લિમ મહિલાને છૂટાછેડા આપવામાં આવે તો તે કલમ ૧૨૫ હેઠળ ન્યાય માંગી શકે અથવા ૨૦૧૯ના કાયદા હેઠળ પિટીશન ફાઇલ કરી શકે.”
000000

LEAVE A REPLY