જર્મનીના ડોર્ટમન્ડના બીવીબી સ્ટેડિયમમાં બુધવાર, 10 જુલાઇએ રમાયેલા યુરો ચેમ્પિયનશિપની બીજી સેમિફાઇલમાં નેધરલેન્ડ્સને 2-1થી હરાવી ઇંગ્લેન્ડે સતત બીજી વખતે આ ટુર્નામેન્ટની ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. ઓલી વોટકિન્સના 90મી મિનિટમાં નિર્ણાયક ગોલથી ઇંગ્લેન્ડ વિજયી બન્યું હતું. યુરો કપ ટાઇટલ માટે હવે બર્લિનમાં રવિવારે ફાઈનલમાં ઇંગ્લેન્ડનો મુકાબલો સ્પેન સાથે થશે.
અગાઉ ફ્રાન્સને 2-1થી હરાવીને સ્પેન ફાઇનલમાં પ્રવેશ્યું હતું. યુરો 2020માં ઇંગ્લેન્ડ ઇટલી સામે હારી ગયું હતું. યુરો 2024માં ઇંગ્લેન્ડે બેસ્ટ ટીમનો સામનો કરવો પડશે, જે ત્રણ વખતની ચેમ્પિયન છે. યુરોપિયન ચેમ્પિયનશિપમાં સ્પેન સામે ઇંગ્લેન્ડની આ ત્રીજી મેચ હશે અને અગાઉની બે મેચમાં ઇંગ્લેન્ડનો વિજય થયો હતો.
ઇંગ્લેન્ડ પાસે 58 વર્ષ પછી કોઈ મોટી ટુર્નામેન્ટનો ખિતાબ જીતવાની તક છે. આ પહેલાં ઇંગ્લેન્ડે 1966માં વર્લ્ડ કપ જીત્યો હતો.
સેમિફાઇનલમાં નેધરલેન્ડ સામેની મેચમાં બંને ટીમ 1-1 ગોલથી બરાબરી પર હતી. પરંતુ મેચમાં ઉમેરાયેલી એક્સ્ટ્રા મિનિટમાં ઇંગ્લેન્ડના ઓલી વોટકિન્સે ગોલ ફટકારીને ઇંગ્લેન્ડને 2-1થી આગળ કરી દીધું હતું અને ફાઈનલમાં પહોંચાડ્યું હતું. શ્વાસ અધ્ધર કરી દે તેવી મેચમાં ઈંગ્લેન્ડના સબસ્ટીટ્યુટ ખેલાડી તરીકે રમી રહેલા ઓલી વોટકિન્સે સ્ટોપેજ ટાઈમમાં નિર્ણાયક ગોલ કરીને ટીમને જીતાડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.
આ મેચમાં ઈંગ્લેન્ડની શરૂઆત સારી રહી ન હતી અને ઝેવી સિમોન્સે સાતમી મિનિટે જ ગોલ કરીને નેધરલેન્ડને શરુઆતમાં લીડ અપાવી હતી. જો કે, ઇંગ્લેન્ડે પણ વાપસી કરવામાં લાંબો સમય ન લેતા હેરી કેન દ્વારા 18મી મિનિટે પેનલ્ટી કોર્નરથી ગોલ કરીને સ્કોર 1-1ની બરાબરી કરી દીધો હતો. પ્રથમ હાફ ટાઈમાં બરાબરીમાં સમાપ્ત થયો, જ્યારે બીજા હાફમાં બંને ટીમોએ લીડ લેવાનો ખૂબ જ પ્રયાસ કર્યો. મેચ વધારાના સમયમાં જતી હોય તેવું લાગી રહ્યું હતું, પરંતુ વોટકિન્સે સ્ટોપેજ ટાઈમની પ્રથમ મિનિટમાં જ ગોલ ફટકારી દીધો હતો.
ગેરેથ સાઉથગેટની ટીમ ઈંગ્લેન્ડનું યુરો કપમાં અભિયાન શાનદાર રહ્યું છે અને તેઓ સતત બીજી વખત આ ટુર્નામેન્ટની ફાઈનલમાં પ્રવેશ કર્યો છે.