વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બે દિવસની રશિયા મુલાકાત પછી અમેરિકાએ મંગળવારે જણાવ્યું હતું કે રશિયા સાથેના તેના સંબંધો અંગે ચિંતા હોવા છતાં ભારત અમેરિકા માટે વ્યૂહાત્મક ભાગીદાર તરીકે ચાલુ રહેશે.
મંગળવારે પેન્ટાગોન અને વિદેશ વિભાગના પ્રવક્તાએ રશિયા સાથે ભારતના સંબંધો અને મોદીની મોસ્કો મુલાકાત પરના પ્રશ્નો પર અલગથી પ્રતિક્રિયા આપી હતી. પેન્ટાગોન પ્રેસ સેક્રેટરી મેજર જનરલ પેટ રાયડરે એક ન્યૂઝ કોન્ફરન્સમાં પત્રકારોને જણાવ્યું હતું કે ભારત અને રશિયા વચ્ચે ઘણા લાંબા સમયથી સંબંધ છે. યુએસના પરિપ્રેક્ષ્યમાં ભારત એક વ્યૂહાત્મક ભાગીદાર છે જેની સાથે અમે રશિયા સાથેના સંબંધો સહિતના મુદ્દે સંપૂર્ણ અને નિખાલસ વાતચીત કરવાનું ચાલુ રાખીએ છીએ.
બીજી તરફ યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા મેથ્યુ મિલરે તેમની દૈનિક ન્યૂઝ કોન્ફરન્સમાં પત્રકારોને જણાવ્યું હતું કે રશિયા સાથેના ભારતના સંબંધો અંગેની અમેરિકાની ચિંતાઓ ઘણી જ સ્પષ્ટ છે. અમે ભારત સરકાર સાથે સીધી રીતે આ ચિંતા વ્યક્ત કરી છે અને આવું કરવાનું ચાલુ રાખીશું. મોદીની મુલાકાતનો ઉપયોગ કરીને પ્રેસિડન્ટ પુતિન એવું બતાવવાનો પ્રયાસ કરશે કે તેઓ વિશ્વથી અલગ પડી ગયા નથી. હકીકત એ છે કે પુતિનના યુદ્ધથી રશિયા બાકીના વિશ્વથી અલગ પડ્યું છે અને યુદ્ધની ભારે કિંમત ચુકવવી પડી છે.