વડા પ્રધાન સ્ટાર્મરે લેબર પક્ષના ભારતીયો પરત્વેના ટર્નઅરાઉન્ડ પર સવિશેષ કામ કર્યું છે અને ભારતીય ડાયસ્પોરા સાથે લેબરના જોડાણને ફરીથી બનાવવાનો પ્રયાસ કરવાનો શ્રેય તેમને જાય છે.
ભૂતપૂર્વ નેતા જેરેમી કોર્બીનના વડપણ હેઠળ કાશ્મીર બાબતે લેબરના કથિત ભારત વિરોધી વલણને કારણે લેબરથી ભારતીયો વિમુખ થઇ ગયા હતા. પણ ગયા વર્ષે એક સમારોહમાં સ્ટાર્મરે જાહેર કર્યું હતું કે “મારી પાસે આજે તમારા બધા માટે એક સ્પષ્ટ સંદેશ છે: આ એક બદલાયેલ લેબર પાર્ટી છે. મારી લેબર સરકાર ભારત સાથે જે ઈચ્છશે તે આપણા લોકશાહી અને આકાંક્ષાના શેર કરેલા મૂલ્યો પર આધારિત સંબંધ છે. લેબર મુક્ત વેપાર કરાર (FTA)ની શોધ કરશે અને વૈશ્વિક સુરક્ષા, આબોહવા સુરક્ષા માટે નવી વ્યૂહાત્મક ભાગીદારી સાથે આર્થિક સુરક્ષા જેવા ક્ષેત્રોમાં સહયોગને વધુ ગાઢ બનાવવા માટે પ્રતિબદ્ધ છે.”
તેમનો આ અભિગમ પાર્ટીના 2024ના ચૂંટણી ઢંઢેરામાં સમાવાયો હતો. સ્ટાર્મરે ગયા અઠવાડિયે પ્રચાર દરમિયાન લંડનના કિંગ્સબરી શ્રી સ્વામિનારાયણ મંદિરની મુલાકાત દરમિયાન બ્રિટિશ હિંદુઓને ખાતરી આપી હતી કે “બ્રિટનમાં હિંદુફોબિયા માટે બિલકુલ સ્થાન નથી”.
નવેમ્બર 2022માં શ્રી કચ્છ લેવા પટેલ કોમ્યુનિટી યુકે SKLPCની મુલાકાતે ગયેલા કેર સ્ટાર્મરે જણાવ્યું હતું કે ‘’યુકેમાં વસતા ભારતીય સમુદાય સાથે વધુ સંબંધો બાંધવા, ભારતીય સમુદાયનો વિશ્વાસ પુનસ્થાપિત કરવા અને ભારતીય તથા હિન્દુ સમુદાયના નેતાઓને રાજકારણ તેમજ પાર્લામેન્ટમાં વઘુ પ્રતિનિધિત્વ આપવા માટે લેબર પક્ષ આતુર છે. હિન્દુફોબીયાને હું અને લેબર પાર્ટી બહુ જ ગંભીરતાથી લઇ છીએ અને તે માટે અમે એન્ટી સેમેટીઝમ જેવો જ અભિગમ આપનાવીશું. લેબર પાર્ટી ભારત અને ભારતીયો સાથે વધુ સારા સાંસ્કૃતિક, રાજકીય અને વ્યાપારિક સંબંધો માટે આતુર છે. કાશ્મિર પ્રશ્નનો ઉકેલ શાંતિપૂર્ણ રીતે બન્ને દેશો દ્વારા પારસ્પિરિક ચર્ચા દ્વારા લાવવામાં આવે તે જરૂરી છે.’’