યુકેની સંસદમાં પાંચ મહિલાઓ સહિત 11 શીખ સાંસદો ચૂંટાઇ આવ્યા છે. જેમાં ચાર પાઘડીધારી શીખોનો સમાવેશ થાય છે. આ તમામ સાસંદો લેબર પાર્ટીના છે. સ્લાઉથી તનમનજીત સિંહ ધેસી અને બર્મિંગહામ એજબેસ્ટનમાંથી પ્રીત કૌર ગિલ સતત ત્રીજી વખત ચૂંટાયા છે.
પ્રથમ વખતના શીખ સાંસદોમાં સેન્ડવેલથી જીતેલા ગુરિન્દર સિંઘ જોસન, ઇલફર્ડ સાઉથથી જસ અટવાલ, વુલ્વરહેમ્પટન વેસ્ટમાંથી વારિન્દર સિંઘ જસ, લાફબરોથી ડૉ. જીવન સંધર અને ડર્બી સાઉથથી બેગી શંકર ઉર્ફે ભગત સિંહ શંકરનો સમાવેશ થાય છે. જ્યારે પ્રથમ વખત ચૂંટાયેલ શીખ મહિલા સાંસદોમાં સાઉધમ્પ્ટનથી સતવીર કૌર, હડર્સફિલ્ડથી હરપ્રીત કૌર ઉપ્પલ, કિરીથ કૌર આહલુવાલિયા, બોલ્ટનથી કિરીથ એન્ટવિસલ અને ડડલીથી સોનિયા કૌર કુમારનો સમાવેશ થાય છે.
ધેસી યુકેમાં પ્રથમ પાઘડીધારી શીખ સાંસદ હતા અને 2017માં ચૂંટાયેલા ગિલ પ્રથમ શીખ મહિલા સાંસદ હતા. ધેસી અને ગિલને ભારતમાં ખેડૂતોના આંદોલન વખતે અવાજ ઉઠાવવા બદલ ભારત સરકારના ગુસ્સાનો સામનો કરવો પડ્યો હતો અને તેમને ખાલિસ્તાનીઓ પ્રત્યે સહાનુભૂતિ ધરાવતા લોકો તરીકે ઓળખવામાં આવ્યા હતા.