દેશની સંસંદની ચૂંટણીઓમાં ભૂતપૂર્વ વડા પ્રધાન લિઝ ટ્રસ, હાઉસ ઓફ કોમન્સ લીડર પેની મોર્ડન્ટ અને ભૂતપૂર્વ બિઝનેસ સેક્રેટરી જેકબ રીસ-મોગે સહિત વિદાય લઇ રહેલા વડા પ્રધાન ઋષિ સુનકની કન્ઝર્વેટિવ પાર્ટીના કેટલાક કેબિનેટ સાથીદારોએ તેમની બેઠકો ગુમાવી હતી.
ગુરુવારની ઐતિહાસિક હાર માટે ઘણા કન્ઝર્વેટિવ્સ લીઝ ટ્રસની સત્તાના 45-દિવસના અશાંત સમયગાળાને જવાબદાર ઠેરવે છે. ટ્રસ તેના સાઉથ વેસ્ટ નોર્ફોક મતવિસ્તારમાં લેબર ઉમેદવાર ટેરી જેર્મી સામે 630 મતોથી હારી ગયા હતા, જ્યાં અગાઉની ચૂંટણીમાં તેમણે 24,180ની બહુમતી મેળવી હતી. ડિફેન્સ સેક્રેટરી ગ્રાન્ટ શૅપ્સ, જસ્ટીસ સેક્રેટરી એલેક્સ ચાક અને મિશેલ ડોનેલન તથા ભૂતપૂર્વ જસ્ટીસ સેક્રેટરી સર રોબર્ટ બકલેન્ડે તેમની બેઠક ગુમાવી હતી.
મોર્ડન્ટને ભાવિ ટોરી નેતૃત્વના દાવેદાર તરીકે ઓળખવામાં આવ્યા હતા. તેમની પોર્ટ્સમથ નોર્થ બેઠક પર ગઇ વખતે 15,000થી વધુ મતની બહુમતી હતી. તો રીસ-મોગની નોર્થ ઈસ્ટ સમરસેટ અને હેનહામ બેઠક પર ગઇ વખતે લેબર સામે 16,000 મતની બહુમતી હતી. જો કે, તેમની સામે ચાન્સેલર જેરેમી હંટ તેમની ગોડલમિંગ અને એશ મતવિસ્તારમાં 891 મતની પાતળી બહુમતી સાથે જીત્યા હતા. કન્ઝર્વેટિવ્સે સાઉથ ઇંગ્લેન્ડમાં લિબરલ ડેમોક્રેટ્સ સામે ઘણી બેઠકો ગુમાવી હતી.
ચીફ વ્હીપ સાઇમન હાર્ટ કેરફાયર્ડિનમાં પ્લેઇડ કમરી સામે હારી ગયા હતા અને ટોરીઝે વેલ્સમાં તેમની તમામ બેઠકો ગુમાવી હતી.