(ANI Photo)

પુરીમાં રવિવાર, 7 જુલાઇએ ભગવાન જગન્નાથની વિશ્વ વિખ્યાત રથયાત્રા દરમિયાન નાસભાગ જેવી સ્થિતિ સર્જાતા ગૂંગળામણને કારણે બે  શ્રદ્ધાળુંના મોત થયા હતા અને ઓછામાં ઓછા 130 લોકો ઘાયલ થયો હતો. ભગવાન બલરામનો રથ ખેંચવાની વિધિ દરમિયાન આ દુઃખદ ઘટના વચ્ચે આશરે 10 લાખથી વધુ લોકોએ ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભગવાન બલરામના દર્શનનો લાભ લીધા હતો. રવિવારે સુર્યાસ્ત પછી રથયાત્રામાં વિરામ આવ્યો હતો અને સોમવાર સવારે રથયાત્રા ફરી ચાલુ થઈ હતી.

પુરીના શંકરાચાર્ય સ્વામી નિશ્ચલનદા સરસ્વતીએ તેમના શિષ્યો સાથે ભગવાન જગન્નાથ, ભગવાન બલભદ્ર અને દેવી સુભદ્રાના રથના દર્શન કર્યા પછી સાંજે 5.20 વાગ્યાની આસપાસ રથ ખેંચવાનું શરૂ થયું થયું હતું.પુરીના રાજવીએ ‘ચેરા પહનરા’ (રથ સાફ કરવાની) વિધિ પૂર્ણ કરી હતી. ચેરા પહનરા વિધિ પછી  લાકડાના ઘોડાઓ રથને જોડવામાં આવ્યા હતા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ત્રણ રથોની ‘પરિક્રમા’ કરી હતી અને દેવતાઓને પ્રણામ કર્યા હતાં.

રાષ્ટ્રપતિ, ઓડિશાના રાજ્યપાલ રઘુબર દાસ, ઓડિશાના મુખ્યપ્રધાન મોહન ચરણ માઝી અને કેન્દ્રીય પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને  ભગવાન જગન્નાથ રથના દોરડા ખેંચી પ્રતીકાત્મક રીતે પરંપરાગત રથયાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. વિપક્ષના નેતા નવીન પટનાયકે પણ દર્શન કર્યા હતા. ભગવાન બલભદ્રના લગભગ 45 ફૂટ ઊંચા લાકડાના રથને હજારો લોકોએ ખેંચ્યો હતો. તેમના રથની પાછળ દેવી સુભદ્રા અને ભગવાન જગન્નાથના રથ હતાં. અગાઉ ભગવાન જગન્નાથ, ભગવાન બલભદ્ર અને દેવી સુભદ્રાએ બપોરે 2.15 વાગ્યે ત્રણ કલાક લાંબી ‘પહાંડી’ વિધિ પછી તેમના રથોમાં બિરાજમાન થયા હતા.

દરમિયાન, ઓડિશાના પ્રધાન કૃષ્ણ ચંદ્ર પાત્રાએ જણાવ્યું હતું કે, “રથયાત્રાનું આયોજન બે દિવસ, 7 અને 8 જુલાઈ માટે કરવામાં આવશે. આજે રાષ્ટ્રપતિ અહીં આવ્યા હતા. આવતીકાલે પણ રથયાત્રા ચાલુ રહેશે. આજે બહુ ઓછા સમય માટે રથ ખેંચાયો હતો; આવતીકાલે, તે આખા દિવસ માટે ખેંચવામાં આવશે.”જય જગન્નાથ’ અને ‘હરિબોલ’ નારા સાથે રથયાત્રાનો પ્રારંભ થયો હતો. પવિત્ર પ્રસંગની ઝલક મેળવવા લાખ્ખો ભક્તો ઉમટી પડ્યાં હતા. રથયાત્રા શરૂ થતાં પહેલાં વિવિધ કલાકાર જૂથોએ રથની આગળ ‘કીર્તન’ (ધાર્મિક ગીતો) અને ઓડિસી નૃત્ય રજૂ કર્યું હતું.

નાસભાગ જેવી સ્થિતિ સર્જાયા પછી જિલ્લા વહીવટીતંત્રે તાત્કાલિક ઈમરજન્સી સેવાઓને કામે લગાડી હતી અને ઈજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલોમાં પહોંચાડ્યા હતાં.

LEAVE A REPLY