વિવાદોથી ઘેરાયેલી મેડિકલ પ્રવેશ પરીક્ષા NEET-UG 2024ને રદ ન કરવાની માગણી સાથે આ પરીક્ષાના ગુજરાતના આશરે 50થી વધુ સફળ ઉમેદવારોએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. આમાંથી કેટલાંક વિદ્યાર્થીઓએ પ્રથમ રેન્કમાં પણ સામેલ છે. અરજીમાં માગણી કરાઈ છે કે કેન્દ્ર સરકાર અને નેશનલ ટેસ્ટિંગ એજન્સી પરીક્ષા રદ ન કરે તે માટે કોર્ટ આદેશ જારી કરે.
આ ઉમેદવારોએ 5મેના રોજ લેવાયેલી NEET-UG પરીક્ષામાં પેપર લીક અને ડમી ઉમેદવારો જેવી ગેરરીતિમાં સંડોવાયેલા વિદ્યાર્થીઓ અને અન્ય લોકોની તપાસ કરવા, ઓળખવા અને તેમની સામે કડક પગલાં લેવા માટે પણ કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયને આદેશ આપવામાં આવે તેવી સર્વોચ્ચ અદાલતમાં માગણી કરી છે.
મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની સર્વોચ્ચ અદાલતની ખંડપીઠ રિ-ટેસ્ટ અને પેપરલીક સંબંધિત 26 પિટિશનોની સુનાવણી હાથ ધરે તે પહેલા 56 વિદ્યાર્થીઓએ આ નવી અરજી દાખલ કરી છે.
NEET-UG, 2024 દેશભરના 4,750 કેન્દ્રો પર યોજાઈ હતી અને લગભગ 24 લાખ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. પેપર લીક સહિતની ગેરરીતિઓના આક્ષેપોને કારણે કેટલાંક શહેરોમાં વિરોધ થયો છે અને વિપક્ષો પર સરકારને આ મુદ્દે ઘેરી રહ્યાં છે. પરીક્ષા રદ કરવા, ફરી પરીક્ષા લેવા અને ઉચ્ચ સ્તરીય તપાસની માંગ કરતી અરજીઓની સુપ્રીમ કોર્ટમાં 8 જુલાઈએ સુનાવણી નિર્ધારિત છે.
સિદ્ધાર્થ કોમલ સિંગલા અને અન્ય 55 વિદ્યાર્થીઓએ વકીલ દેવેન્દ્ર સિંહ દ્વારા આ અરજી દાખલ કરી છે. અરજીમાં જણાવાયું છે કે NEET-UG નવેસરથી ન યોજવા માટે કેન્દ્ર અને એનટીએને આદેશ આપવામાં આવે. જો રિ-ટેસ્ટ લેવાશે તો તે પ્રમાણિક અને મહેનતુ વિદ્યાર્થીઓ માટે અન્યાયી અને કઠોર હશે. તેનાથી શિક્ષણના અધિકારનું ઉલ્લંઘન થશે અને તેથી બંધારણની કલમ 14 (સમાનતાનો અધિકાર)નું પણ ઉલ્લંઘન થશે. અરજદારો 17-18 વર્ષના યુવાન વિદ્યાર્થીઓ છે, અને તેમના ડૉક્ટર બનવાના સ્વપ્નને સાકાર કરવા માટે તેઓએ 3-4 વર્ષની સતત મહેનત પછી પરીક્ષા પાસ કરી છે. જોકે પરીક્ષા રદ કરવાના અને રિ-ટેસ્ટની સંભાવનાના સતત સમાચારોથી બિનજરૂરી તણાવ પેદા કરી રહી છે. જો મીડિયાના ભ્રામક કવરેજને કારણે ઊભા થયેલા હાઇપને પરિણામે પુનઃપરીક્ષા થશે તો તેનાથી પ્રમાણિક સફળ વિદ્યાર્થીઓને મુશ્કેલીનો સામનો કરવો પડશે.