જાપાનના મુંબઈસ્થિત કૉન્‍સ્યુલ જનરલ યાગી કોજીએ તાજેતરમાં મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ સાથે ગાંધીનગરમાં મુલાકાત કરી હતી. તેમણે ગુજરાતની તેમની આ મુલાકાતને આનંદદાયક ગણાવતા કહ્યું કે, જાપાન-ભારત-ગુજરાતના પરસ્પર મજબૂત સંબંધો અને સ્ટ્રેટેજિક ગ્લોબલ પાર્ટનરશીપ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિઝનને આભારી છે. બે રાષ્ટ્રો વચ્ચે બિઝનેસ અને ઇકોનોમી ક્ષેત્રના સંબંધોની નવી દિશા આના પરિણામે ખુલી છે અને ખાસ કરીને વાઇબ્રન્ટ ગ્લોબલ સમિટની જ્વલંત સફળતાએ જાપાનના અનેક ઉદ્યોગોને ગુજરાતમાં રોકાણો માટે પ્રેરિત કર્યા છે એમ તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું. વાઇબ્રન્ટ સમિટ ૨૦૨૪માં સુઝુકી મોટર્સે ગુજરાતમાં પોતાના એક્સપાન્શન પ્રોજેક્ટની જાહેરાત કરેલી છે. એટલું જ નહિં, જાપાનની સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ કંપનીઝ પણ ભારતની કંપનીઝ સાથે કોલૅબરેશન કરીને ગુજરાતમાં આવવા ઉત્સુક છે. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, આવા પ્રોજેક્ટ્સ માટે જરૂરી સ્થળ અને જમીન પસંદગી તથા ફાળવણીમાં રાજ્ય સરકાર જરૂરી મદદ કરશે. જાપાનના કૉન્‍સ્યુલ જનરલ યાગી કોજીએ આ બેઠકની વાતચીત દરમિયાન કહ્યું કે, ઓટોમોબાઇલ અને સેમિકોન ઉપરાંત રિન્યુએબલ એનર્જી, ગ્રીન એમોનિયા પ્રોજેક્ટમાં પણ ગુજરાત સાથે રોકાણની સંભાવના રહેલી છે. તેમણે ગુજરાતમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં મેટ્રો રેલ, ડેડીકેટેડ ફ્રેઇટ કોરિડોર વગેરેમાં જાપાનની પ્રેઝન્સ છે તેને વધુ અન્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં વિસ્તારવા અંગે પરામર્શ કર્યો હતો.

LEAVE A REPLY