દેશમાં ગુરુવારે યોજાયેલી ચૂંટણીઓમાં લેબર પાર્ટીના ભૂતપૂર્વ નેતા જેરેમી કોર્બિન તેમની ઇસલિંગ્ટન નોર્થ બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે વિજેતા થયા હતા. તેમની લેબર પાર્ટીમાંથી હકાલપટ્ટી કરવામાં આવી હતી. લેબરે ચૂંટણીમાં બહુમતી મેળવી છે.
કોર્બિન આ બેઠક પરથી 24,120 મત સાથે વિજેતા થયા હતા, તેમને લેબરના ભારતીય મૂળના ઉમેદવાર પ્રફુલ નારગુંડ કરતાં 7,247 વધુ મત મળ્યા હતા. નારગુંડને 16,873 મત મળ્યા હતા. 75 વર્ષીય જેરેમી કોર્બિને 1983થી લેબરના સભ્ય તરીકે વોર્ડમાં સેવા આપી હતી અને તેઓ ચૂંટણીઓમાં 10 વખત આ બેઠક પર વિજેતા થયા હતા. પરંતુ આ વખતની ચૂંટણીમાં તેઓ અપક્ષ ઉમેદવાર હતા, તેમને 2020માં લેબર પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
તેઓ 2019માં યોજાયેલી ચૂંટણીમાં લેબર નેતા તરીકે બહુમતીથી વિજેતા થયા હતા, પરંતુ આ ચૂંટણીમાં તેમણે તીવ્ર સ્પર્ધાનો સામનો કર્યો હતો.
આ જીત અંગે કોર્બિને જણાવ્યું હતું કે, “અમે સકારાત્મક કેમ્પેઇન કર્યું હતું, તેમાં ગંદુ રાજકારણ નહોતું. અમારું કેમ્પેઇન તેમાં એકતા લાવવા માટે સંપૂર્ણપણે નિશ્ચયી હતું. ઇસલિંગ્ટન નોર્થના મતદારો કંઇક સારું ઇચ્છતા હતા. હું મારું જીવન, શિક્ષણ અને કાર્યક્ષમતાનો શ્રેય સંપૂર્ણ રીતે મારા મતદારોને આપું છું. આ જીત તેમને સંપૂર્ણ સમર્પિત છે. કીર સ્ટાર્મરે માર્ચ 2023માં કોર્બિનને લેબરના ઉમેદવાર તરીકે ચૂંટણી લડતા અટકાવ્યા હતા, પરંતુ ચૂંટણી જાહેર થયા પછી તેમણે અપક્ષ તરીકે ચૂંટણી લડવાની જાહેરાત કરતાં તેમની હકાલપટ્ટી કરવામાં આવી હતી. કોર્બીનના આ વિજયથી 1937ની પેટાચૂંટણી પછી ઇસલિંગ્ટન નોર્થમાં લેબર પાર્ટીને મત આપવાની પરંપરાનો અંત આવ્યો છે.

LEAVE A REPLY