(PTI Photo)

બ્રિટનમાં 4 જુલાઇએ યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં ઋષિ સુનકની આગેવાની હેઠળની કન્ઝર્વેટિવ પાર્ટીનો કારમો પરાજ્ય થયો હતો અને કેર સ્ટાર્મરની લેબર પાર્ટીનો ઐતિહાસિક વિજય થયો હતો. લેબર પાર્ટીને સંસદમાં 650માંથી 410 બેઠકો મળી છે, જ્યારે કન્ઝર્વેટિવ પાર્ટીને માત્ર 120 બેઠકો મળી હતી. પ્રચંડ જીત મળતા વિજેતા લેબર પાર્ટીના ટોચના નેતા કેર સ્ટાર્મર કહ્યું હતું કે બ્રિટનને તેનું ભવિષ્ય પાછું મળી ગયું છે.

બ્રિટનમાં હવે 61 વર્ષીય કેર સ્ટાર્મર નવા વડાપ્રધાન બનશે. કન્ઝર્વેટિવ પાર્ટીની બેઠકો ઐતિહાસિક રીતે નિરાશાજનક નીચી સપાટીએ ગબડતી જોઈને નિરાશ થયેલા ઋષિ સુનકે હાર સ્વીકારી હતી. જોકે બ્રિટનના ભારતીય વારસાના પ્રથમ વડાપ્રધાન તરીકેનો સુનકનો વારસો અકબંધ રહેશે.

ગ્રાન્ટ શેપ્સ, પેની મોર્ડાઉન્ટ અને જેકબ રીસ મોગ સહિતના કેટલાક અગ્રણી પ્રધાનો અને સાંસદો ચૂંટણી હારી ગયા હોવાથી કન્ઝર્વેટિવ્સ માટે આ ચૂંટણીને બ્લેડબાથ ગણવામાં આવે છે. અગાઉ, કેર સ્ટાર્મર લંડનમાં હોલબોર્ન અને સેન્ટ પેનક્રાસની પોતાની સીટ 18,884 મતો સાથે જીતી હતી.

ચૂંટણીનું દુરોગામી અસર કરી શકે તેવું એક રીઝલ્ટ એ છે કે નાઇજલ ફરાઝ તેમના આઠમાં પ્રયાસ પછી આખરે સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા છે. તેમની એન્ટી ઇમિગ્રેશન રિફોર્મ યુકે પાર્ટીને હાઉસ ઓફ કોમન્સ પ્રથમ વખત પ્રતિનિધિત્વ મળ્યું છે.

અપેક્ષા મુજબ જ કન્ઝર્વેટિવ પાર્ટીને 14 વર્ષના શાસન પછી ભારે હારનો સામનો કરવો પડ્યો હતો અને પક્ષમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે શપથ લીધાના 20 મહિના પછી હવે સુનક વડાપ્રધાન તરીકે રહેશે નહીં.

સુનકને તેમની તેમની રિચમન્ડ અને નોર્થેલર્ટન બેઠકમાં વિજય મળ્યો હતો, પરંતુ પાર્ટીની હાર થઈ હતી. સુનકે જણાવ્યું હતું કે બ્રિટિશ લોકોએ એક ગંભીર ચુકાદો આપ્યો છે અને શીખવા અને તેના પર વિચાર કરવા માટે ઘણું બધું છે. હું હારની જવાબદારી લઉં છું. ઘણા સારા, મહેનતુ કન્ઝર્વેટિવ ઉમેદવારો કે જેઓ તેમના અથાક પ્રયાસો, તેમના સ્થાનિક રેકોર્ડ્સ અને તેમના સમુદાયો પ્રત્યેના સમર્પણ છતાં હારી ગયા છે, હું દિલગીર છું.

સુનકની કેબિનેટના ઘણા પ્રધાનોએ પણ હારનો સામનો કરવો પડ્યો હતો. અગાઉ એક્ઝિટ પોલમાં પણ એવા તારણ આવી ગયા હતા કે લેબર પાર્ટી ચૂંટણી જીતી જશે અને ઋષિ સુનકની કન્ઝર્વેટિવ પાર્ટીને પ્રચંડ હારનો સામનો કરવો પડશે. એક્ઝિટ પોલમાં જણાવાયું હતું કે લેબર પાર્ટીને 410 સીટ મળશે જ્યારે કન્ઝર્વેટિવને 131 બેઠકો મળશે.

સુનકે સ્ટાર્મરને તેમની જીત બદલ અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું કે આજે શાંતિપૂર્વક રીતે સત્તાનું હસ્તાંતરણ થશે.

LEAVE A REPLY