રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ ગુરુવારે ભૂતપૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના 10 જનપથ નિવાસસ્થાનની મુલાકાત લીધી હતી અને તેમના પુત્ર અનંત અંબાણીના લગ્ન માટે ગાંધી પરિવારને આમંત્રણ આપ્યું હોવાનું માનવામાં આવે છે.
મુકેશ અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અંબાણી અને ઉદ્યોગપતિ વિરેન મર્ચન્ટની પુત્રી રાધિકા મર્ચન્ટના લગ્ન 12 જુલાઈએ મુંબઈના જિયો વર્લ્ડ સેન્ટરમાં યોજાઈ રહ્યા છે. અનંત અંબાણીના તેમની મંગેતર રાધિકા મર્ચન્ટ સાથેના લગ્નના સમાચાર ઘણા સમયથી ચર્ચામાં છે અને તેમની અગાઉ બે પ્રી-વેડિંગ સેરેમનીમાં દેશ-વિદેશની મોટી હસ્તીઓ અને બિઝનેસમેનોએ હાજરી આપી હતી.
અનંત અને રાધિકાના લગ્નનું આમંત્રણ મહેમાનોને મોકલવામાં આવી રહ્યું છે અને મુકેશ અંબાણી પોતે ખાસ મહેમાનોને આમંત્રણ આપવા જઈ રહ્યા છે. 26 જૂને મુકેશ અંબાણી મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન એકનાથ શિંદેને મળ્યા હતાં અને તેમને તેમના પુત્રના લગ્ન માટે આમંત્રણ પાઠવ્યું હતું. રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણીના લગ્ન પહેલા 3 જુલાઈને બુધવારે મુંબઈમાં પરંપરાગત ગુજરાતી ‘મામેરુ’ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં સમગ્ર અંબાણી પરિવાર અને મર્ચન્ટના પરિવારના સભ્યો હાજર હતા. અગાઉ, મંગળવારને 2જી જુલાઈના રોજ અંબાણી પરિવારે મહારાષ્ટ્રના થાણેમાં વંચિત અને ગરીબ વર્ગના લોકો માટે ભવ્ય સમૂહ લગ્નનું આયોજન કર્યું હતું.