મુકેશ અંબાણીના વડપણ હેઠળની રિલાયન્સ રિટેલ વેન્ચર્સ આગામી સપ્તાહોમાં ભારતના બજારોમાં ચાઇનીઝ ફાસ્ટ-ફેશન બ્રાન્ડ શીન રજૂ કરશે. એક વર્ષ પહેલા બંને કંપનીઓ વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી થઈ હતી. રિલાયન્સ રિટેલ તેની એપ અને ઑફલાઇન સ્ટોર્સ દ્વારા શીનની પ્રોડક્ટ્સ ઑફર કરશે.સસ્તા ફાસ્ટ-ફેશન ક્ષેત્રમાં ગ્લોબલ લીડર શેન મિંત્રા અને ટાટા ગ્રૂપની માલિકીની ઝુડિયો સાથે સીધી સ્પર્ધા કરશે.
ભારત અને ચીન વચ્ચે વધતા સરહદી તણાવને કારણે ચીની એપ્લિકેશનો પર વ્યાપક કાર્યવાહીના ભાગરૂપે 2020માં ભારતે શીનને તેની પોતાની એપ્લિકેશન પર પ્રોડક્ટ્સ વેચવા પર પ્રતિબંધ મૂક્યો હતો. રિલાયન્સ રિટેલ ભારતમાં શીનની કામગીરીની દેખરેખ રાખવા માટે ભૂતપૂર્વ મેટા (ફેસબુક) ડિરેક્ટર મનીષ ચોપરાની નિમણૂક કરે તેવી અપેક્ષા છે.
150થી વધુ દેશોમાં હાજરી ધરાવતી વૈશ્વિક રિટેલર શીન રિલાયન્સ સાથે ભાગીદારી કરીને ચીન પરની તેની નિર્ભરતા ઘટાડવાનું વિચારી રહી છે. આ બાબતથી પરિચિત એક એક્ઝિક્યુટિવના જણાવ્યા અનુસાર, સહયોગનો હેતુ શીનને ભારતમાંથી તેના સોર્સિંગને વિસ્તૃત કરવામાં મદદ કરવાનો છે.