(ANI Photo)
અમિતાભ બચ્ચન સંચાલિત બહુચર્ચિત ક્વિઝ શો-‘કૌન બનેગા કરોડપતિ’ની સીઝન-16ની તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. આ  નવી સીઝનની જાહેરાત એક વિચારપ્રેરક કેમ્પેઇન સાથે શરૂ થઈ છે, “ઝિંદગી હૈ હર મોડ પે સવાલ પૂછેગી. જવાબ તો દેના હોગા.” આ કેમ્પેઇન જીવનમાં સતત ઊભા થતાં પ્રશ્નો પર અને તેના જવાબોની જરૂરિયાતો પર ભાર મુકે છે, જે કેબીસીની નવી સીઝન માટે દર્શકોમાં ઉત્સાહ ઊભો કરે છે.
‘કૌન બનેગા કરોડપતિ’ની છેલ્લી સીઝનમાં અમિતાભ બચ્ચને દર્શકો પાસેથી ભાવભીની વિદાય લીધી હતી. નવા કેમ્પેઈનમાં દરેક ભારતીયને સ્પર્શે તેવા ઉદાહરણો રજૂ કરવામાં આવ્યા છે, જેમકે, પત્નીની કારકિર્દીમાં મદદ કરવા માટે એક પતિ કઈ રીતે પોતાની નોકરી છોડી દે છે, કઈ રીતે એક સ્વતંત્ર યુવતી લગ્નના બદલે પર્વતારોહણના પોતાના પેશનને પસંદ કરે છે, કે પછી એક સન્માનીય બેંક મેનેજર કઈ રીતે પોતાની નિવૃત્તિ પછી કેબ ડ્રાઇવર તરીકે કામ કરવાનું પસંદ કરે છે.
આ નવી સીઝનનો વિષય સામાન્ય લોકોના જીવનની પડકારો પર વિજય મેળવવાની સફરને અમિતાભ બચ્ચનના પહાડી અવાજમાં રજૂ કરવાની સાથે તેમાં ભાવનાઓને પણ સાંકળે છે. આ ઉદાહરણો આપણને જીવનની અનિશ્ચિતતાઓ અને અચાનક આવી પડતી પરિસ્થિતિઓમાં કેવી હિંમતની જરૂર પડે છે, તે યાદ અપાવે છે. કારણ કે વર્ષ 2000થી ચાલતા આ શોએ ભારતના લોકોને માત્ર મનોરંજન કે પૈસા જ નહીં, પણ લાખો લોકોની જીવનગાથાઓએ કરોડો લોકોને પ્રેરણા આપવાનું કામ પણ કર્યું છે.

LEAVE A REPLY