FILE PHOTO REUTERS/Kevin Lamarque

યુએસ પ્રમુખ જો બાઇડને બુધવારે ભારપૂર્વક જણાવ્યું હતું કે તેઓ 5 નવેમ્બરે યોજાનારી ચૂંટણી માટે ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર છે અને તેમના પર સ્પર્ધામાંથી ખસી જવા માટે કોઇ દબાણ નથી.

રિપબ્લિકન હરીફ ડોનાલ્ડ ટ્રમ્પ સામે પ્રથમ પ્રેસિડેન્શિયલ ડિબેટમાં નિરાશાજનક પ્રદર્શન પછી બાઇડને રેસમાં ખસી જવું જોઇએ તેવા તેમના પક્ષમાં આંતરિક ગણગણાટના મીડિયા અહેવાલો વચ્ચે બાઇડને આ નિવેદન આપ્યું હતું.

બુધવારે એક ફંડ રેઇઝિંગ ઇ-મેઇલમાં બાઇડને જણાવ્યું હતું કે “હું ડેમોક્રેટિક પાર્ટીનો નોમિની છું. કોઈ મને બહાર ધકેલતું નથી. હું રેસ છોડી રહ્યો નથી, હું આ રેસમાં અંત સુધી છું અને અમે આ ચૂંટણી જીતીશું. જો તમે આવું ઇચ્છતાં હોય તો વાઈસ પ્રેસિડેન્ટ હેરિસ અને મને નવેમ્બરમાં ડોનાલ્ડ ટ્રમ્પને હરાવવામાં મદદ કરવા માટે થોડું યોગદાન આપો.”

ગયા ગુરુવારે એટલાન્ટામાં પ્રેસિડેન્શિયલ ડિબેટમાં અત્યંત ખરાબ દેખાવ પછી બાઇડનના એપ્રુવલ રેટિંગમાં ધરખમ ઘટાડો થયો છે  અને તેમના પોતાના પક્ષના નેતાઓ તેમના પર રેસ છોડી દેવા માટે દબાણ કરી રહ્યાં છે.

બીજી તરફ વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરીન જીન-પિયર બુધવારે જણાવ્યું હતું કે પ્રેસિડન્ટ બાઇડન રેસમાં હટી જવાની કોઇ વિચારણા કરી રહ્યાં નથી. ડોનાલ્ડ ટ્રમ્પ અને જો બાઈડન વચ્ચેની ડિબેટમાં બાઈડન જે રીતે નબળા પડ્યા તેના કારણે તેમની જ પાર્ટીના નેતાઓમાં કમલા હેરિસનો દાવો મજબૂત બનતો જાય છે. ડેમોક્રેટિક પાર્ટીમાં જ એવા સૂર વહેતા થયા છે કે બાઈડનને હટાવીને કમલા હેરિસને પ્રેસિડન્ટપદના ઉમેદવાર બનાવવા જોઈએ.

કેટલાક રાજકીય નિષ્ણાતો કહે છે કે પ્રેસિડન્ટ જો બાઈડનને ડિમેન્શિયાની બીમારી છે અને મેઈનસ્ટ્રીમ મીડિયા આ વાત દેશથી છુપાવે છે. તેથી ડેમોક્રેટ્સ કમલા હેરિસને પ્રેસિડન્ટ બનાવી શકે છે. ડેમોક્રેટિક પાર્ટીના ઘણા લોકોનું કહેવું છે કે બાઈડન માનસિક રીતે અમેરિકાના પ્રેસિડન્ટ બનવા માટે સજ્જ નથી અને તેમને હટાવવા માટે જેટલી ઝડપથી નિર્ણય લેવામાં આવે તે સારું છે.

LEAVE A REPLY