(istockphoto)

વિશ્વની બીજા ક્રમની સૌથી મોટી ફાર્માસી ચેઇન વોલગ્રીન્સે અમેરિકામાં બિઝનેસના પુર્નગઠન માટે આગામી ત્રણ વર્ષમાં તેના ઢગલાબંધ સ્ટોર બંધ કરવાની જાહેરાત કરી હતી. અમેરિકામાં વોલગ્રીન્સના લગભગ 8,600 ફાર્મસી સ્ટોર છે, જેમાં જે સ્ટોર નફો કરતા ન હોય ત્યાં મોટા ફેરફાર થશે અને કદાચ બંધ પણ કરાશે.

અમેરિકામાં કોવિડ વખતે ડ્રગ સ્ટોર્સના બિઝનેસમાં જોરદાર તેજી આવી હતી અને ઘણી જગ્યાએ ફાર્મસી સ્ટોર ખુલી ગયા હતાં, પરંતુ હવે સ્થિતિ બદલાઈ ગઈ છે. પ્રિસ્ક્રિપ્શનની સંખ્યા ઘટી છે અને બિઝનેસના મોડેલમાં પણ ખામી છે. છેલ્લા કેટલાક સમયમાં સીવીએસના 900 લોકેશન પર સ્ટોર બંધ કરવામાં આવ્યા છે. રાઈટ એઈડે ઓક્ટોબર મહિનામાં દેવાળું જાહેર કરી દીધું હતું અને તેના પણ 100થી વધારે સ્ટોર બંધ થઈ ગયા છે.

વોલગ્રીન્સના કેટલા સ્ટોર બંધ કરશે તે વિશે કંપનીએ કોઈ આંકડો નથી આપ્યો નથી, પરંતુ અંડપરફોર્મ કરતા ઘણા બધા સ્ટોરને તાળા લાગી જશે તે નક્કી છે. કંપનીના સીઈઓએ કહ્યું કે લગભગ 25 ટકા સ્ટોરમાં મોટા ફેરફાર આવવાના છે. તેમાં જે લોકેશન પર સ્ટોર પ્રોફીટ કરતા નહીં હોય તેને બંધ કરાશે. જે સ્ટોર એકબીજાથી બહુ નજીક આવેલા હોય, નફો કરતા ન હોય અને જ્યાં ચોરીના કેસ બહુ વધારે બનતા હોય તેવા સ્ટોરને પણ બંધ કરાશે.

અમેરિકામાં આવી હાલત બીજી ઘણી ફાર્મસી ચેઈન્સની છે. સીવીએસ અને રાઈટ એઈડના નફામાં પણ ઘટાડો થયો છે. એમેઝોને આ બિઝનેસમાં જોરદાર સ્પર્ધા શરૂ કરી છે અને બીજું પ્રિસ્ક્રિપ્શન ડ્રગ્સ માટે ઓછું રિઈમ્બર્સમેન્ટ મળે છે. અમેરિકામાં ડ્રગ સ્ટોર્સમાં ઘરવપરાશની ચીજો અને સ્નેક્સ પણ વેચાય છે અને તેમાં પણ મોટી કંપનીઓ તરફથી દબાણ વધી ગયું છે. આ બિઝનેસમાં ટાર્ગટે અને ડોલર સ્ટોર્સ પ્રેશર બનાવી રહ્યા છે. તેના કારણે ઘણા ફાર્મસી સ્ટોર પોતાને ત્યાં નેશનલ બ્રાન્ડ્સનું વેચાણ બંધ કરીને પોતાની હાઉસ બ્રાન્ડનો માલ વેચવા લાગી છે.

LEAVE A REPLY