4 જુલાઇના રોજ યોજાનારી યુકેની સામાન્ય ચૂંટણી પહેલા પ્રચારના અંતિમ વિકેન્ડમાં બ્રિટિશ હિંદુ મતદારોને રીઝવવા માટે વડા પ્રધાન ઋષિ સુનક અને લેબર નેતા સર કેર સ્ટાર્મરે મંદિરોની મુલાકાત લીધી હતી. આ યાત્રાઓ પાછળ હિન્દુઓમાં વધેલી જાગૃતિ અને હિન્દુ મેનિફેસ્ટો જવાબદાર હોવાનું મનાય છે.
સુનેક રવિવારે નીસડનના BAPS શ્રી સ્વામિનારાયણ મંદિરની મુલાકાત લઇને “સમુદાયને ગૌરવ અપાવવા” માટે પ્રયત્નશીલ રહેવાનું વચન આપ્યું હતું. તો 61 વ ર્ષીય સ્ટાર્મરે શુક્રવારે કિંગ્સબરીમાં કિંગસ્બરી સ્થિત સ્વામિનારાયણ મંદિરની પસંદગી કરી “ભારત સાથે વ્યૂહાત્મક ભાગીદારી” કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
સામાન્ય ચૂંટણીઓ પહેલા બ્રિટિશ હિંદુ સંગઠનોની અંબ્રેલા બોડી ‘હિન્દુઝ ફોર ડેમોક્રસી’ દ્વારા પ્રથમ વખત ‘હિન્દુ મેનિફેસ્ટો’ બહાર પાડવામાં આવ્યો હતો. તેમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓને હિંદુ ધર્મસ્થાનોના રક્ષણ માટે સક્રિય પગલાં લેવા અને હિંદુ વિરોધી નફરતનો સામનો કરવા માટે આહ્વાન કરવામાં આવ્યું છે. યુકેના હિન્દુ સમુદાયે આ વિઝન ડોક્યુમેન્ટ બનાવ્યો છે, જે તેની આકાંક્ષાઓને પ્રતિબિંબિત કરે છે અને ચૂંટણી માટે આ મોટા સમુદાય પાસેથી સમર્થન મેળવવા માંગતા રાજકારણીઓ પાસે પોતાની અપેક્ષાઓ રજૂ કરે છે અને ચૂંટણી લડી રહેલા ઉમેદવારોને હિન્દુઓ માટે સાત પ્રતિજ્ઞાઓ લેવા કહે છે.
હિંદુઝ ફોર ડેમોક્રેસી જૂથ કહે છે કે “હિન્દુ મેનિફેસ્ટો’ એ તમામ સંસદીય ઉમેદવારો અને રાજકીય પક્ષો માટે તેમના મતવિસ્તારમાં હિંદુ સમુદાય સાથે જોડાવા અને સમર્થન આપવા માટે પગલાં લેવાનું આહવાન છે. તે યુકેના સામાજિક, સાંસ્કૃતિક અને આર્થિક માળખામાં હિંદુઓના યોગદાનને પ્રકાશિત કરે છે અને ભવિષ્યનું નિર્માણ કરવા માંગે છે, જ્યાં આ યોગદાનને ઓળખવામાં આવે, મૂલ્ય આપવામાં આવે, સુરક્ષિત કરવામાં આવે અને બધા માટે સારા ભવિષ્ય માટે પ્રમોટ કરવામાં આવે.”
અત્રે ઉલ્લેખનીય છે કે 2021 ની વસ્તી ગણતરી મુજબ, બ્રિટનમાં રહેતા લગભગ 1 મિલિયન લોકો પોતાને હિંદુ તરીકે ઓળખાવે છે અને 4 જુલાઈની સામાન્ય ચૂંટણીમાં આ મતદારોને અંકે કરવા બન્ને પક્ષો એડિ ચોટીનું જોર લગાવી રહ્યા છે. જેમાં એક હિન્દુ તરીકે સુનક વડા પ્રધાન પદે બિરાજતા હોવાથી સ્વાભાવિક છે કે હિન્દુઓ કન્ઝર્વેટિવને વધુ સમર્થન આપે છે.