દિગ્દર્શક નિખિલ નાગેશ ભટની બહુચર્ચિત ફિલ્મ ‘કિલ’નું ટ્રેલર તાજેતરમાં જ જાહેર કરવામાં આવ્યું છે. વિશ્વભરમાં તેની પ્રશંસા થઇ રહી છે. આ ફિલ્મ દ્વારા લક્ષ્ય પદાર્પણ કરી રહ્યો છે, તેમજ રાઘવ જુયાલ અને તાન્યા મનિકતાલા પણ મુખ્ય ભૂમિકામાં દેખાશે. આ ફિલ્મમાં ચાલતી ટ્રેનમાં એક્શન સિક્વન્સની ભરમાર છે.
દર્શકોએ એવું પણ અનુભવ્યું છે કે આ ફિલ્મમાં જે માત્રામાં હિંસા બતાવાઈ છે, તે ઘણી વધારે છે. ખરેખર તો ‘કિલ’ને ભારતમાં બનેલી સૌથી હિંસક ફિલ્મ ગણાવાઈ રહી છે. તેથી દર્શકોએ આ ફિલ્મ વારંવાર ઉડતી લોહીની છોળોની અપેક્ષા સાથે જ જોવાની રહેશે.
ફિલ્મના ટ્રેલરને મળેલાં પ્રતિસાદ ઉપરાંત ‘કિલ’એ એક અનોખી સફળતા પણ મેળવી છે. નોર્થ અમેરિકામાં એક હજાર સ્ક્રિન્સ આ ફિલ્મ માટે અત્યારથી જ બૂક થઈ ગયા હોય તેવી આ પ્રથમ ભારતીય ફિલ્મ છે. વિવિધ ઇન્ટરનેશનલ ફેસ્ટિવલમાં ખૂબ સારો પ્રતિસાદ મળ્યા પછી આ ફિલ્મમાં પશ્ચિમી દેશોને રસ પડ્યો છે.
‘કિલ’ એ એક કમાન્ડો(લક્ષ્ય)ની સ્ટોરી છે, જેની ગર્લફ્રેન્ડ(મનિકતાલા)ના લગ્ન અન્ય વ્યક્તિ સાથેનક્કી થયા છે. તેના માતા-પિતા તેને બીજા કોઈ સાથે પરણાવે તે પહેલાં એક વખત મળવા માટે લક્ષ્ય ટ્રેનમાં ચડે છે. પરંતુ કેટલાંક ગુંડાઓ આ ટ્રેનને બાનમાં લઇ લે છે અને કમાન્ડો લડવા માટે મજબૂર થઈ જાય છે. નિખિલ નાગેશ ભટ ‘હુડદંગ’ ફિલ્મ માટે જાણીતા છે. આ ફિલ્મ ભારતમાં 5 જુલાઈએ પ્રદર્શિત થશે.