આઉટકમ હેલ્થના સહસ્થાપક ઇન્ડિયન-અમેરિકન ઉદ્યોગપતિ ઋષિ શાહને અમેરિકી અદાલતે સાડા સાત વર્ષની જેલની સજા ફટકારી હતી. ઋષિ શાહની આશરે એક અબજ ડોલરની ફ્રોડ સ્કીમમાં ગોલ્ડમૅન સેક્સ ગ્રુપ, ગૂગલ પેરન્ટ કંપની આલ્ફાબેટ અને ઇલિનોઇસના ગવર્નર જેબી પ્રિટ્ઝકરની વેન્ચર કેપિટલ જેવા જેવા હાઇ પ્રોફાઇલ રોકાણકારોને હચમચાવી નાંખ્યા હતાં. અમેરિકાના તાજેતરના ઈતિહાસમાં સૌથી મોટા કોર્પોરેટ ફોડ કેસમાં યુએસ ડિસ્ટ્રિક્ટ જજ થોમસ ડર્કિને ચુકાદો આપ્યો હતો.
બ્લૂમબર્ગના અહેવાલ મુજબ આઉટકમ હેલ્થ હકીકતમાં ઋષિ શાહના મગજની ઉપજ હતી. કંપનીની સ્થાપના 2006માં કરાઈ હતી. કંપનીનો ઉદ્દેશ દર્દીઓને ટાર્ગેટ બનાવતી આરોગ્ય જાહેરાતો સ્ટ્રીમ કરવા માટે ડોકટરોની ઓફિસમાં ટેલિવિઝન ઇન્સ્ટોલ કરી તબીબી જાહેરાતોના પરિપ્રેક્ષ્યને બદલવાનો હતો. ઋષિ શાહ સાથે તેમના સહ-સ્થાપક શ્રદ્ધા અગ્રવાલ જોડાયાં હતાં.
એડવર્ટાઇઝમેન્ટ પ્લેસમેન્ટ મારફત દર્દીઓ અને ડોક્ટર્સ વચ્ચેના કમ્યુનિકેશન ગેપને દૂર કરતી ઇનોવેટિવ ટેકનિકને કારણે આ કંપનીએ ઝડપથી મોટી વૃદ્ધિ નોંધાવી હતી. 2010ના દાયકાના મધ્ય સુધીમાં આઉટકમ હેલ્થ ટેક એન્ડ હેલ્થકેર ઇન્વેસ્ટમેન્ટ કમ્યુનિટીમાં મોટી કંપની તરીકે ઊભરી હતી. પરંપરાગત હેલ્થકેર માર્કેટિંગમાં અત્યાધુનિક ટેકનોલોજીના વચનને કારણે હાઇપ્રોફાઇલ ઇન્વેસ્ટરો આકર્ષાયા હતાં અને કંપનીને જંગી ફંડ અને ક્લાયન્ટ મળ્યા હતાં. તેનાથી ઋષિ શાહ શિકાગો કોર્પોરેટ વર્તુળોમાં ઉભરતા સ્ટાર બની ગયા હતાં. પરંતુ આ ઝળહળતી સફળતા પાછળ આઉટકમ હેલ્થનોની ફ્રોડ સ્કીમ હતી.
પ્રોસિક્યુટર્સે જણાવ્યું હતું કે 38 વર્ષીય ઋષિ શાહ, એમએસ અગ્રવાલ અને અન્ય પ્રતિવાદી ચીફ ફાઇનાન્શિયલ ઓફિસર બ્રાડ પર્ડી સાથે કંપનીના ઓપરેશનલ અને નાણાકીય સ્વાસ્થ્યને ખોટી રીતે રજૂ કરીને રોકાણકારો, ગ્રાહકો અને ધિરાણકર્તાઓ સામે ફ્રોડ કર્યો હતો. આ ફ્રોડની મોડલ ઓપરેન્ડી આઉટકામ હેલ્થ પ્રસારિત કરી શકે તેના કરતાં વધુ એડવર્ટાઇઝમેન્ટ ઇન્વેન્ટરીનું વેચાણ અને બનાવટી ડેટા હતા. આ કંપની ફાર્માસ્યુટિકલ જાયન્ટ નોવા નોર્ડિસ્ક અને અન્ય ક્લાયન્ટ્સ સાથે પણ તેના નેટવર્કના કદ અને જાહેરાતની પહોંચ વિશે છેતરપિંડી કરી હતી.