(ANI Photo)

સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં મંગળવાર, 2 જુલાઇએ સતત ત્રીજા દિવસે ભારે વરસાદ ચાલુ રહ્યો હતો. મંગળવારે ઉત્તર ગુજરાતના મહેસાણા, પાલનપુર, ઊઝા સહિતના વિસ્તારોમાં પણ વરસાદ ચાલુ થયો હતો. વરસાદથી ખાસ કરીને સૌરાષ્ટ્રમાં જનજીવન અસ્તવ્યસ્ત થયું હતું.

જૂનાગઢ જિલ્લાના વંથલીમાં છેલ્લાં 24 કલાકમાં 361 મીમી (14 ઇંચ) વરસાદ પડતાં લગભગ 30 ગામડાંનો સંપર્ક કપાઇ ગયો હતો. આ ગામડા તરફ જતા રસ્તાઓ પાણીમાં ડૂબી ગયા હતાં રાજ્યના સૌરાષ્ટ્ર અને દક્ષિણ પ્રદેશના 10 તાલુકાઓમાં 24 કલાકના સમયગાળામાં 200 મીમીથી વધુ વરસાદ નોંધાયો હતો જેના પરિણામે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.

નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF)એ એક નિવેદનમાં જણાવ્યું છે કે તેમણે એક ટીમને જૂનાગઢ જિલ્લાના કેશોદમાં રવાના કરી છે જેઓ સંપર્ક વિહોણા બનેલા સ્થળો પર ફસાયેલા લોકોને મદદ કરી શકાય. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, “જૂનાગઢ જિલ્લાના લગભગ 30 ગામડાઓનો સંપર્ક કપાઈ ગયો હતા. જિલ્લાના અસરગ્રસ્ત તાલુકાઓમાં કેશોદ, માણાવદર અને વંથલીનો સમાવેશ થાય છે.

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC)ના ડેટા મુજબ જૂનાગઢના વંથલી તાલુકામાં સવારે 6 વાગ્યે પૂરા થયેલા 24 કલાકના સમયગાળામાં 361 મીમી વરસાદ નોંધાયો હતો. વિસાવદર તાલુકામાં 336 મીમી, જૂનાગઢ તાલુકામાં 297 મીમી, જૂનાગઢ શહેરમાં 297 મીમી અને કેશોદ તાલુકામાં 248 મીમી વરસાદ નોંધાયો હતો.
છેલ્લા 24 કલાકમાં જ્યાં ભારે વરસાદ નોંધાયો હતો તેમાં સુરતનો બારડોલી તાલુકો (239 મીમી), દેવભૂમિ દ્વારકાનો ખંભાળિયા તાલુકો (229 મીમી), જૂનાગઢનો માણાવદર (224 મીમી), નવસારી જિલ્લાનો નવસારી તાલુકા (214 મીમી) અને દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં 200 મીમી વરસાદ પડ્યો હતો.

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના 10 તાલુકાઓમાં 24 કલાકમાં 200 મીમીથી વધુ વરસાદ નોંધાયો હતો. રાજ્યના અનેક ભાગોમાં છેલ્લા ત્રણ દિવસથી સારો એવો વરસાદ પડી રહ્યો છે.

NDRFની 10 ટીમો તૈનાત કરાઈ

નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF)એ મંગળવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેમણે એક ટીમને જૂનાગઢ જિલ્લાના કેશોદમાં રવાના કરી હતી જેનાથી રાહત અને બચાવ કામગીરી હાથ ધરી શકાય છે. ભારે વરસાદ અને તેના પરિણામે પાણી ભરાવાને ધ્યાનમાં રાખીને એનડીઆરએફએ સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના વિવિધ ભાગોમાં 10 ટીમો તૈનાત કરી હતી.

ધોરાજીમાં ભાદર-2 ડેમ છલકાયો, મચ્છુ ડેમના દરવાજા ખોલાયા

સૌરાષ્ટ્રમાં સતત ત્રીજા દિવસે અનરાધાર વરસાદને પગલે ભાદર 2 ડેમ છલકાતાં નીચાણવાળા ગામડામાં હાઇએલર્ટ જારી કરાયો હતો. પોરબંદર જિલ્લાના ઘેડ પંથકના 19 ગામો હાઈ એલર્ટ જાહેર કરાયો હતો. બીજી તરફ સુરેન્દ્રનગર જિલ્લાના મોરબીમાં મચ્છુ ડેમનો એક દરવાલો ખોલવામાં આવતા નદી બે કાંઠે વહેતી થઈ હતી. તેનાથી મોરબી અને માળીયા મિયાણા તાલુકાના 21 ગામોને એલર્ટ કરાયા હતા. અમરેલીના રાજુલા, જાફરાબાદ, ખાંભામાં પવન સાથે ધોધમાર વરસાદ પડતાં રામતલિયા નદીમાં ધોડાપૂર આવ્યું હતું. દેવભુમિ દ્વારકા જિલ્લામાં પણ યાત્રાધામ દ્વારકામાં 10 ઈંચ સહિત ભારે વરસાદ થયો થયો હતો.

LEAVE A REPLY