શનિવાર, 29 જૂન, 2024 ના રોજ હરિદ્વારમાં કોતવાલી શહેર વિસ્તારમાં ભારે વરસાદ પછી ગંગા નદીમાં વાહનો તણાઈ ગયા હતા. (PTI Photo)
સમગ્ર ભારતમાં ચોમાસાએ ગયા સપ્તાહે ધમાકેદાર એન્ટ્રી કરી હતી અને આસામના આઠ જિલ્લામાં ભારે વરસાદને કારણે રવિવારે પૂરની સ્થિતિ વધુ વણસી હતી. રાજ્યના 12 જિલ્લાઓમાં વધુ બે લોકોના મોત થતાં મૃત્યુઆંક વધી 44 થયો હતો. રાજ્યમાં 2.62 લાખથી વધુ લોકો પૂરની ઝપેટમાં આવી ગયા હતાં. બે સ્થળોએ બ્રહ્મપુત્રા સહિત પાંચ મોટી નદીઓ ખતરાના સ્તર ઉપરથી વહી રહી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે આસામમાં પૂરની સ્થિતિની માહિતી મેળવી હતી અને તમામ સમર્થનની ખાતરી આપી હતી, એમ મુખ્યપ્રધાન હિમંતા બિસ્વા સરમાએ જણાવ્યું હતું.
મહારાષ્ટ્ર, બિહાર, રાજસ્થાન, ગુજરાત, હરિયાણા, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, મધ્ય પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને અરુણાચલ પ્રદેશમાં રવિવારે ભારે વરસાદ પડ્યો હતો. ચોમાસું ઉત્તરીય રાજ્યો તરફ આગળ વધતાં રવિવારે ગુજરાત અને રાજસ્થાન સહિત ભારતભરના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડ્યો હતો અને સામાન્ય જીવનને અસર થઈ હતી.
વીજળી પડવા અને ડૂબી જવા જેવી વરસાદ સંબંધિત ઘટનાઓને કારણે દેશભરમાં અનેક મૃત્યુ નોંધાયા હતા.IMD દ્વારા 2 જુલાઈ સુધી દિલ્હીમાં ભારે વરસાદની આગાહી કરી હતી. રાજસ્થાનમાં ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો, જેમાં રવિવારે ચુરુમાં સૌથી વધુ વરસાદ 51.4 મીમી વરસાદ નોંધાયો હતો. છેલ્લા 24 કલાકમાં ભરતપુર ડિવિઝનના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ નોંધાયો હતો. ઉત્તરપ્રદેશના દેવરિયા જિલ્લામાં રવિવારના રોજ એક પૂજારી સહિત બે લોકોના વીજળી પડવાથી મોત થયા હતા અને સાત અન્ય લોકો ઘાયલ થયા હતા.
મહારાષ્ટ્રમાં રવિવારે પુણેના લોનાવાલા વિસ્તારમાં ભૂશી ડેમના બેકવોટર નજીકના ધોધમાં એક મહિલા અને 13 વર્ષની છોકરી ડૂબી ગયા હતી જ્યારે 4-6 વય જૂથના ત્રણ બાળકો ગુમ થયા હતા. આ ઘટના બપોરે 1:30 વાગ્યે બની હતી, ત્યારબાદ શોધ અને બચાવ ટીમો સ્થળ પર દોડી આવી હતી. જમ્મુ અને કાશ્મીરમાં રવિવારે ભૂસ્ખલનથી કિશ્તવાડ-પદ્દાર માર્ગ બંધ થઈ ગયો હતો. જમ્મુ વિભાગમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડ્યો હતો.
ઉત્તરાખાનના હલ્દવાણી, રામનગર, દેહરાદૂન, હરિદ્વાર, ઉત્તરપ્રદેશના મુરાદાબાદ, બિહારના પટના અને હૈદરાબાદમાં ભારે વરસાદને કારણે અનેક રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા. બિહારના જહાનાબાદની એક હોસ્પિટલમાં વરસાદી પાણી ઘુસી ગયા ગયા હતા.

ગંગાનું જળસ્તર અચાનક વધતાં અનેક ગાડીઓ પાણીમાં તણાઈ

ભારે વરસાદને કારણે ઉત્તરાખંડના હરિદ્વારમાં ગંગા નદી ખતરાની સપાટીને પાર કરી ગઈ હતી. હરિદ્વારના ગંગા નદીનું જળસ્તર અચાનક વધી જતાં સંખ્યાબંધ ગાડીઓ રમકડાની જેમ ગંગામાં તણાઇ ગઈ હતી અને તેનો વીડિયો વાયરલ થયો હતો. ગંગા નદીમાં તણાઇ રહેલી ગાડીઓને જોવા માટે લોકોની ભારે ભીડ જામી હતી.ઉત્તરી હરિદ્વારમાં લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા હતાં ઉત્તરાખંડમાં 27 જૂનથી ચોમાસાની શરૂઆત થઇ ગઇ હતી અને હવે સમગ્ર વિસ્તારને કવર કરી લીધો હતી. રવિવારથી 4 જુલાઇ સુધી ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ હતી.

LEAVE A REPLY