REUTERS/Priyanshu Singh

ભારે વરસાદ અને પવનને કારણે શુક્રવારે નવી દિલ્હીના મુખ્ય એરપોર્ટની એક છત તૂટી પડી પડતાં એક વ્યક્તિનું મોત થયું હતું અને એક ડોમેસ્ટિક ટર્મિનલની ફ્લાઈટ્સમાં વિક્ષેપ પડ્યો હતો. ભારે વરસાદથી ભારતની રાજધાનીના રસ્તા પાણીમાં ગરકાવ થયા હતાં અને ટ્રાફિક જામ થતાં રોજિંદા જીવન અસ્તવ્યસ્ત બન્યું હતું.

દિલ્હી એરપોર્ટ વિસ્તારમાં વહેલી સવારે ત્રણ કલાકમાં લગભગ 148.5 મિલીમીટર વરસાદ નોંધાયો હતો, જે સમગ્ર જૂન મહિનાની સરેરાશ કરતાં વધુ છે. 20 મિલિયન લોકોના શહેરમાં શુક્રવારે સવારે 8:30 વાગ્યે પૂરા થતા 24 કલાકમાં તેના મુખ્ય સફદરજંગ વેધર સ્ટેશન પર 228.1 મીમી વરસાદ નોંધાયો હતો, જે સામાન્ય કરતાં 266% વધુ છે.

દિલ્હી એરપોર્ટના ટર્મિનલ 1ના ડિપાર્ચર એરિયા ખાતેની કેનોપીનો એક ભાગ તૂટી પડ્યો હતો અને ફ્લાઇટ ઓપરેશન બપોરે 2 વાગ્યા સુધી બંધ કરી દેવામાં આવ્યું હતું. દેશના સૌથી મોટા અને સૌથી વ્યસ્ત એરપોર્ટ પરના ત્રણમાંથી એક આખું ટર્મિનલ ખાલી કરાવવામાં આવ્યું હતું અને છત તૂટી પડવાની તપાસનો આદેશ આપવામાં આવ્યો હતો. દિલ્હી ફાયર સર્વિસ (DFS)ના ડાયરેક્ટર અતુલ ગર્ગે જણાવ્યું હતું કે બચાવ કાર્ય પૂર્ણ થઈ ગયું છે અને આઠ ઘાયલ લોકોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.

ફ્લાઇટ ટ્રેકિંગ પ્લેટફોર્મ Flightradar24ના ડેટા અનુસાર, ઓછામાં ઓછી 10 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી અને 40 વિલંબિત થઈ હતી. દિલ્હી એરપોર્ટથી પ્રસ્થાન થતી ફ્લાઇટ્સ સરેરાશ 50 મિનિટ મોડી ચાલી રહી હતી. બપોરે 2 વાગ્યા પછી ટર્મિનલ 1થી નિર્ધારિત ફ્લાઇટ્સનું આગમન અને પ્રસ્થાન અન્ય બે ટર્મિનસમાં ડાયવર્ટ કરાયું હતું. મુસાફરોને સંપૂર્ણ રિફંડ મળશે અથવા વૈકલ્પિક ફ્લાઇટ્સ અને રૂટ પર બુકિંગ કરવાનો વિકલ્પ મળશે.
દિલ્હીના અન્ય ઘણા ભાગોમાં પણ પાણી ભરાઈ ગયા હતા અને કેડ સમા પાણી ભરાયા હતા. મેટ્રો સેવાઓ પ્રભાવિત થઈ હતી, શહેરના કેટલાક ભાગોમાંથી ટ્રાફિક જામ થયો હતો જ્યારે કેટલાક રહેવાસીઓએ પાવર કટની ફરિયાદ પણ કરી હતી.

LEAVE A REPLY