એર ઇન્ડિયા પહેલી સપ્ટેમ્બરથી ચાલુ થઈ રહેલી દિલ્હી-લંડનની બે ડેઇલી ફ્લાઇટ્સમાં તેના વાઇડ-બોડી A350-900 વિમાનો ઉપયોગ ચાલુ કરશે. આ ફ્લાઇટની સાથે લાંબા અંતરના આંતરરાષ્ટ્રીય રૂટ પર આ વિમાનોનો ઉપયોગ ચાલુ થશે.
એરલાઇનને ગુરુવારે એક રિલીઝમાં જણાવ્યું હતું કે 17માંથી 14 વીકલી ફ્લાઇટ્સમાં બોઇંગ 777-300 ER અને બોઇંગ 787-8 ડ્રીમલાઇનરને સ્થાને A350-900 વિમાનો ઉપયોગ થશે. તેના પરિણામે દર અઠવાડિયે દિલ્હી-લંડન હિથ્રો રૂટ પર વધારાની 336 બેઠકો ઉપલબ્ધ થશે.
આ ઉપરાંત, એરલાઇન દિલ્હી-લંડન હીથ્રો રૂટ પર કાર્યરત A350-900 પ્લેનમાં પ્રીમિયમ ઇકોનોમી ક્લાસ સીટો રજૂ કરશે.એર ઈન્ડિયા પહેલી સપ્ટેમ્બરથી A350-900 એરક્રાફ્ટ સાથે દિલ્હી અને લંડન હીથ્રો વચ્ચે દૈનિક બે ફ્લાઈટ્સનું સંચાલન કરશે.
એરલાઈને દિલ્હી અને દુબઈ વચ્ચેની સેવાઓ સાથે પહેલી મેથી આંતરરાષ્ટ્રીય રૂટ પર A350-900 પ્લેનનો ઉપયોગ ચાલુ કર્યો હતો. ટાટા ગ્રૂપની માલિકીની એરલાઇન લંડન હીથ્રો માટે સાપ્તાહિક 31 ફ્લાઇટ્સ ચલાવે છે. તેમાં દિલ્હીથી 17 અને મુંબઈથી 14 ફ્લાઇટનો સમાવેશ થાય છે. તે અમદાવાદ, અમૃતસર, બેંગલુરુ, ગોવા અને કોચીથી લંડન ગેટવિક સુધી પણ ફ્લાઇટનું સંચાલન કરે છે. આ રૂટ પર સાપ્તાહિક 17 ફ્લાઈટ્સ છે.
એર ઈન્ડિયાએ આ વર્ષે તેના કાફલામાં A350 વિમાનોને સામેલ કરવાનું શરૂ કર્યું હતું અને તેનો ઉપયોગ સ્થાનિક ફ્લાઈટ્સ માટે પણ થઈ રહ્યો છે. એરલાઈને 40 A350 પ્લેનનો ઓર્ડર આપ્યો છે અને તેમાંથી 6 તેના ફ્લીટમાં છે.