ફિલ્મોના શૂટિંગ દરમિયાન મોટાભાગના કલાકારો મોટા પ્રમાણમાં સારી સુવિધાની માગણી કરતા હોય છે, અને તેથી ફિલ્મ નિર્માણનો ખર્ચો ઘણો વધી જાય છે અને તેનું ભારણ નિર્માતાએ ભોગવવું પડે છે. આ અંગે અગાઉ અનેક કલાકારો પોતાનો અભિપ્રાય રજૂ કરી ચૂક્યા છે.
હવે જૂના જમાનામાં કેવી રીતે ફિલ્મો બનતી હતી તે અંગે શબાના આઝમી કહે છે, ‘મને આજે પણ યાદ છે કે શૂટિંગ માટે સ્મિતા પાટીલ અને મને અલગ કાર આપવામાં આવી હતી. બે દિવસની અંદર અમે એ કાર પાછી આપી દીધી અને તમામ કલાકારો સાથે એક જ બસમાં પ્રવાસ કરતાં હતાં. અમે બસમાં ગીત ગાતાં અને ગેમ રમતાં હતાં. માત્ર કલાકારો જ નહીં, દિગ્દર્શક પણ ફિલ્મને ધ્યાનમાં રાખીને ખોટા ખર્ચ કરતા નહોતા. નાણાંના અભાવે શૂટિંગ રદ્ થતાં હતા. એકાદ-બે વાર તો શત્રુઘ્ન સિંહા અને સંજીવકુમાર જેવા કલાકારોએ શૂટિંગ પૂર્ણ કરવા માટે પોતાના નાણા ખર્ચ્યા હતા. ઓછા બજેટની ફિલ્મ હોય તો હું ફિલ્મમાં મારાં કપડાં પહેરતી હતી.’