FILE IMAGE** (PTI Photo)

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ બુધવારે ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના અધ્યક્ષ તરીકે સામ પિત્રોડાની પુનઃ નિમણૂક કરી હતી. ભારતમાં લોકસભા ચૂંટણી વચ્ચે કેટલીક વિવાદાસ્પદ ટીપ્પણીઓ પછી આ હોદ્દા પરથી હજુ થોડા સપ્તાહો પહેલા સામ પિત્રોડાનું રાજીનામું માગી લેવામાં આવ્યું હતું.

રાહુલ ગાંધીના નજીકના સાથી ગણાતા પિત્રોડાએ 8 મેના રોજ પદ પરથી રાજીનામું આપ્યું હતું અને કોંગ્રેસ અધ્યક્ષે તેમનું રાજીનામું સ્વીકાર્યું હતું. એઆઈસીસીના જનરલ સેક્રેટરી કે સી વેણુગોપાલે એક નિવેદનમાં જણાવ્યું હતું કે “કોંગ્રેસ પ્રમુખે સામ પિત્રોડાને ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના અધ્યક્ષ તરીકે તાત્કાલિક અસરથી ફરીથી નિયુક્ત કર્યા છે.”

લોકસભાની ચૂંટણી દરમિયાન સામ પિત્રોડાના અમેરિકામાં વારસાઇ ટેક્સ અંગે નિવેદનને કારણે  કોંગ્રેસની મુશ્કેલીમાં વધારો થયો હતો. સામ પિત્રોડાએ ચૂંટણી દરમિયાન ભારતના વિવિધ પ્રદેશોના લોકો વિશે પણ વિચિત્ર નિવેદનો આપ્યાં હતાં. ભારતની વિવિધતાની ચર્ચા કરતી વખતે, તેમણે દક્ષિણ ભારતીય લોકોની તુલના આફ્રિકન લોકો સાથે અને ઉત્તર-પૂર્વ ભારતીયોની તુલના ચીની લોકો સાથે કરી હતી. પિત્રોડાએ એમ પણ કહ્યું છે કે પશ્ચિમ ભારતના લોકો આરબો જેવા દેખાય છે. તે જ સમયે, ઉત્તરના લોકો ગોરા જેવા દેખાય છે. અગાઉ શીખ વિરોધી રમખાણોના મુદ્દે પણ તેમણે કહ્યું હતું કે હુઆ તો હુઆ.

કોંગ્રેસે સામ પિત્રોડાની ફરી નિયુક્તિ કરતા ભાજપે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના એક નિવેદનને ફરી યાદ કરાવ્યું હતું. તે સમયે મોદીએ જણાવ્યું હતું કે કોંગ્રેસે યુએસ સ્થિત તેમના ગુરુને હવે રાજીનામું આપવાનું કહ્યું છે. તેઓ તેમને થોડા દિવસો પછી પાછા લાવશે.

LEAVE A REPLY