કથિત એક્સાઈઝ કૌભાંડ સંબંધિત ભ્રષ્ટાચારના કેસમાં કેન્દ્રીય એજન્સી સીબીઆઈએ બુધવારે ઔપચારિક રીતે દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી હતી અને AAP સુપ્રીમોની પાંચ દિવસની કસ્ટડી માંગી હતી.AAP નેતાને તિહાર સેન્ટ્રલ જેલમાંથી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા બાદ CBIએ અરજી દાખલ કરી હતી.
અહીં ઉલ્લેખનીય છે કે એક્સાઇઝ કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં અગાઉ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ કેજરીવાલની ધરપકડ કરી હતી અને હાલમાં તેઓ જેલમાં છે. કેજરીવાલે જામીન માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી, પરંતુ સીબીઆઇની કાર્યવાહી પછી જામીન અરજી પાછી ખેંચી લીધી હતી.
મની લોન્ડરિંગ કેસમાં દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલને મંગળવારે હાઇકોર્ટમાંથી ફટકો પડ્યો હતો. હાઇકોર્ટે તેમને જામીન આપતાં ટ્રાયલ કોર્ટના આદેશ પર સ્ટે મૂક્યો હતો. તેનાથી કેજરીવાલ હાલમાં જેલમાં રહેશે. નીચલી કોર્ટે આપેલા જામીન પર મનાઇહુકમ આપતા હાઇકોર્ટે અવલોકન કર્યું હતું કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા જે તથ્યો રજૂ કરવામાં આવ્યા હતાં તેની નીચલી કોર્ટે પૂરતી વિચારણા કરી ન હતી. જામીનના આદેશ સામે EDએ રજૂ કરેલી દલીલોની ગંભીર વિચારણા કરવાની જરૂર હતી.