વિકિલીક્સના સ્થાપક જુલિયન અસાંજેએ યુએસ જસ્ટીસ ડિપાર્ટમેન્ટ સાથે સ્ટ્રાઇક ડીલ કર્યા પછી તેમને બ્રિટનની બેલમાર્શ જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. આ ડીલ અંતર્ગત તેમને યુએસ જાસૂસી કાયદાના ઉલ્લંઘન માટે દોષિત ઠરાવાશે અને તેના બદલામાં તેમને વતન ઓસ્ટ્રેલિયા પરત ફરવાની મંજૂરી આપવામાં આવશે.
અસાંજે અમેરિકાના નોર્ધન મારિયાના સાઇપન ટાપુ પર સુનાવણી માટે મુસાફરી કરી રહ્યો હોવાના અહેવાલ છે, જ્યાં તેમને બુધવારે સ્થાનિક સમય મુજબ સવારે 9 વાગ્યે (મંગળવારે 11 વાગ્યે GMT) સજા સંભળાવવામાં આવશે. આ ડીલ હેઠળ, અસાંજેએ જેલમાં ગુજારેલ પાંચ વર્ષ માન્ય ગણી કોઇ નવી સજા કર્યા વગર મુક્ત કરાશે, જેને જજ માન્ય કરે તે આવશ્યક છે.
અમેરિકાના નોર્ધર્ન મારિયાના ટાપુઓ માટેની યુએસ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં કરાયેલ ફાઇલિંગ અનુસાર, 52 વર્ષીય અસાંજે, વર્ગીકૃત યુએસ રાષ્ટ્રીય સંરક્ષણ દસ્તાવેજો મેળવવા અને જાહેર કરવા માટેનું કાવતરું ઘડવાના એક ક્રિમીનલ કાઉન્ટ માટે પોતાનો દોષ સ્વીકારવા સંમત થયા હતા.
વિકિલીક્સે તા. 24ને સોમવારે સાંજે તેઓ લંડનના સ્ટેન્સ્ટેડ એરપોર્ટ પરથી ફ્લાઇટમાં સવાર થતા હોય તેવો વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો. ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન એન્થોની અલ્બેનિસે પુષ્ટિ કરી હતી કે તેણે યુકે છોડી દીધું છે. તે પછી પ્લેન – ચાર્ટર્ડ ફ્લાઇટ VJT199 રિફ્યુઅલિંગ માટે બેંગકોકમાં ઉતર્યું હતું. અલ્બેનીઝના જણાવ્યા અનુસાર, તેમની સાથે યુકેમાં સેવા આપતા ઓસ્ટ્રેલિયાના હાઈ કમિશનર સ્ટીફન સ્મિથ પણ છે.
વિકિલીક્સે X પર જણાવ્યું હતું કે ‘’અસાંજે ત્યાં 1,901 દિવસની કેદ પછી સોમવારે સવારે બેલમાર્શ જેલ છોડી દીધી હતી. 2×3 મીટરના સેલમાં દિવસમાં 23 કલાક અલગ રાખવામાં આવે છે”.
અસાંજેની પત્ની સ્ટેલાએ X પર પુષ્ટિ કરી છે કે તે મુક્ત છે. તેણીએ અસાંજેના સમર્થકોનો આભાર માન્યો અને કહ્યું હતું કે “શબ્દો આપણી અપાર કૃતજ્ઞતા વ્યક્ત કરી શકતા નથી”.