(Photo by Hugh Hastings/Getty Images)

યુકેમાં ચૂંટણીઓની તારીખ જાહેર કરવા અંગે ખેલાયેલ સટ્ટાબાજીમાં કોન્ઝર્વેટિવ પાર્ટી સાથે સંકળાયેલ પક્ષના કેમ્પેઇન ડાયરેક્ટર ટોની લી અને તેમની પત્ની તથા બ્રિસ્ટોલ નોર્થ વેસ્ટ ટોરી પાર્ટીની સંસદીય ઉમેદવાર લૌરા સોન્ડર્સ તથા એક સુરક્ષા અધિકારી સામે ગેમ્બલીંગ વોચડોગની તપાસ શરૂ કરાયા બાદ તા. 23ને રવિવારે પક્ષના અન્ય એક વરિષ્ઠ અધિકારી પર પણ આ અંગેનો આક્ષેપ થતા સુનક અને કન્ઝર્વેટિવ પક્ષની હાલત કફોડી થઇ છે.

તમામ ચૂંટણી પૂર્વેના ઓપિનિયન પોલમાં વિપક્ષી લેબર પાર્ટીથી ખૂબ પાછળ એવી કન્ઝર્વેટિવ પાર્ટીના ચીફ ડેટા ઓફિસરની પણ ગેમ્બલીંગ કમિશન દ્વારા કથિત રીતે ચૂંટણીના સમય પર થયેલી સટ્ટાબાજી માટે તપાસ કરવામાં આવી રહી હોવાના અહેવાલોને પગલે સુનક ગુસ્સે થયા છે.  ‘ધ સન્ડે ટાઈમ્સ’માં પ્રથમ વખત ઘટસ્ફોટ થયા બાદ નિક મેસને રજા ઉપર ઉતરી જઇ કશું પણ ખોટું કર્યાનો ઇનકાર કર્યો હતો.

મેટ પોલીસે જણાવ્યું હતું કે “આ મામલો મેટ્સના ડિરેક્ટોરેટ ઑફ પ્રોફેશનલ સ્ટાન્ડર્ડ્સને મળતાં  તપાસ શરૂ કરાઇ હતી અને એક સુરક્ષા અધિકારીને ઓપરેશનલ ફરજોમાંથી દૂર કરાયો હતો. સોમવાર 17 જૂનના રોજ જાહેર ઓફિસમાં ગેરવર્તણૂકની શંકાના આધારે તેને કસ્ટડીમાં લઇ વધુ પૂછપરછ માટે જામીન આપવામાં આવ્યા હતા.

હવે સુનકના નજીકના સંસદીય સહાયક, અને મોન્ટગોમરીશાયર અને ગ્લિંડ્વરના ટોરી ઉમેદવાર ક્રેગ વિલિયમ્સ પર આરોપ છે કે વડા પ્રધાન દ્વારા સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવે તેના દિવસો પહેલા સંભવિત સામાન્ય ચૂંટણીની તારીખ અંગે લેડબ્રોક્સમાં £100ની શરત લગાવી હતી.

સુનકે આ અઠવાડિયાની શરૂઆતમાં પત્રકારોને જણાવ્યું હતું કે “હું આ આરોપો વિશે જાણીને અતિ ગુસ્સે થયો હતો. તે ખરેખર ગંભીર બાબત છે. યુકેમાં આમ તો સટ્ટાબાજી કાયદેસર છે પરંતુ આંતરિક માહિતીના આધારે લાભ મેળવવા માટે કરાયેલ કોઈપણ બેટ્સ ગેરકાયદેસરતાના દાયરામાં આવી શકે છે. ફોજદારી તપાસ ચાલુ છે અને જો કોઈએ નિયમોનો ભંગ કર્યો હોય, તો તેમને કાયદાના સંપૂર્ણ પરિણામોનો સામનો કરવો પડશે અને હું ખાતરી કરીશ કે તેમને કન્ઝર્વેટિવ પાર્ટીમાંથી બહાર કરવામાં આવે.”

તે પછી તેમણે અને પક્ષના વરિષ્ઠ નેતાઓએ ચાલુ તપાસ પર ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો. તો ગેમ્બલીંગ કમિશને પણ “ચાલુ તપાસ” પર કોઈપણ વિગતો આપવાનો ઇનકાર કર્યો છે.

લેબર પાર્ટીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે “ઋષિ સુનકે પ્રામાણિકતા, પ્રફેશનલીઝમ અને જવાબદારીનું વચન આપ્યું હતું. ઋષિ સુનકે તાત્કાલિક પગલાં લેવા જોઈએ અને ટોરી સટ્ટાબાજીમાં સંડોવાયેલા તમામને સસ્પેન્ડ કરવા જોઈએ.”

લિબરલ ડેમોક્રેટ્સના ડેપ્યુટી લીડર ડેઇઝી કૂપરે જણાવ્યું હતું કે, “આ હવે સુનકની કન્ઝર્વેટિવ પાર્ટીના હૃદયમાં એક ઓલઆઉટ કૌભાંડ છે. સુનકે કેબિનેટ ઓફિસ તપાસનો આદેશ આપવા અને ગેમ્બલીંગ કમિશન દ્વારા તપાસ હેઠળના તમામને સસ્પેન્ડ કરવા માટે વ્યક્તિગત રીતે દરમિયાનગીરી કરવી જોઈએ.”

સામાન્ય ચૂંટણી સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં યોજાશે એમ મનાતું હતું પરંતુ તા. 4 જુલાઈના રોજ ચૂંટણી યોજવાની જાહેરાત કરીને સુનકે દેશને આશ્ચર્યચકિત કરી દીધો હતો. આ તારીખની જાણ માત્ર થોડાક નજીકના લોકોને જ હતી.

બ્રિટીશ બેટીંગ કંપની બેટફેરના ડેટા દર્શાવે છે કે સુનકે ચૂંટણી જાહેર કરી તેના આગલા દિવસે, 21 મેના રોજ બેટીંગનો ધમધમાટ જોવા મળ્યો હતો.

યુકેના ગેમ્બલીંગ એક્ટ 2005ની કલમ 42 હેઠળ, જુગારમાં છેતરપિંડી કરવી અથવા અન્ય કોઈને છેતરપિંડી કરવાની મંજૂરી આપતું કંઈપણ કરવું એ ગુનો છે.

LEAVE A REPLY