કિંગ ચાર્લ્સ III ના 73 વર્ષના બહેન પ્રિન્સેસ એનને બ્રિસ્ટોલમાં ગેટકોમ્બે પાર્ક એસ્ટેટમાં રવિવારે ઘોડાને સંડોવતા બનાવમાં માથાના ભાગે નાની ઈજાઓ થયા બાદ “સાવચેતીના પગલા” તરીકે બ્રિસ્ટોલની સાઉથમીડ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા એમ બકિંગહામ પેલેસે સોમવારે જણાવ્યું હતું.
કિંગ ચાર્લ્સને આ બાબતે ખબર પડતાં તેમણે રાજકુમારીને ઝડપથી સ્વસ્થ થવા માટે શુભેચ્છાઓ મોકલી હતી.
પેલેસે જણાવ્યું હતું કે ‘’સૌથી વરિષ્ઠ-સૌથી કાર્યરત રાજવીઓમાંના એક પ્રિન્સેસ એન “સારી રીતે સ્વસ્થ થઈ રહ્યા છે અને તેઓ આરામદાયક સ્થિતિમાં છે. ડોકટરોની સલાહ પર, તેણીની આગામી સપ્તાહના એન્ગેજમેન્ટ મુલતવી રાખવામાં આવશે.”
પ્રિન્સેસ જાપાનના સમ્રાટ નરુહિતોના માનમાં પ્રિન્સ ચાર્લ્સે આયોજિત કરેલા સમારંભમાં પણ હાજરી આપી શકશે નહીં.
પ્રિન્સેસ એન સાથે તે સમયે એસ્ટેટ પર તેમના પતિ સર ટિમ લોરેન્સ, પુત્રી ઝારા ટિંડલ અને તેના ભાઈ પીટર ફિલિપ્સ સાથે હતા. પ્રિન્સેસ એન ઘોડાઓમાં રસ ધરાવે છે અને અશ્વારોહણની રમતોમાં તેમની સિદ્ધિઓ માટે જાણીતા છે. 1976માં મોન્ટ્રીયલમાં ઓલિમ્પિક્સમાં ભાગ લેનાર તેઓ રોયલ ફેમિલીના પ્રથમ સભ્ય હતાં. તેઓ સ્વ માહારાણી એલિઝાબેથ II અને પ્રિન્સ ફિલિપના બીજા બાળક તરીકે તે સમયે સિંહાસનના વારસ તરીકે ત્રીજા ક્રમે હતા અને હવે તેઓ ઉત્તરાધિકારની લાઇનમાં 17મા સ્થાને છે.