(PTI Photo)

કેન્દ્રમાં સત્તાધારી NDAના ઉમેદવાર ઓમ બિરલા બુધવારે ધ્વનીમતથી સતત બીજી મુદત માટે લોકસભાના સ્પીકર તરીકે ચૂંટાઈ આવ્યા હતાં. આની સાથે સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચે સ્પીકરની ચૂંટણીના મુદ્દે લડાઈનો અંત આવ્યો હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્પીકર માટે ઓમ બિરલાના નામની દરખાસ્ત કરી હતી. રાહુલ ગાંધી અને અખિલેશ યાદવ સહિતના કેટલાક વિપક્ષી નેતાઓએ બિરલાને પણ અભિનંદન પાઠવ્યા હતા. સ્પીકરનો ચાર્જ સંભાળ્યાં પછી બિરલાએ 1975માં તત્કાલિન વડા પ્રધાન ઈન્દિરા ગાંધી દ્વારા લાદવામાં આવેલી ઈમરજન્સીની નિંદા કરતો ઠરાવ વાંચી સંભળાવ્યો અને સભ્યોને એક મિનિટનું મૌન પાળવા કહ્યું હતું. તેનો વિપક્ષ વિરોધ કર્યો હતો.

એનડીએ અને કોંગ્રેસના ઇન્ડિયા ગઠબંધન વચ્ચે સર્વસંમતિ ન સધાતા દેશમાં ઘણા દાયકા પછી પ્રથમ વખત લોકસભામાં સ્પીકર માટે ચૂંટણી યોજાઈ હતી. જોકે એનડીએ ગઠબંધન પાસેથી બહુમતી હોવાથી ધ્વનીમતથી ઓમ બિરલા ચૂંટાઈ આવ્યાં હતા. વિપક્ષે મતવિભાજનની માગણી કરી ન હતી. ભાજપના સર્વસંમતિના પ્રયાસો નિષ્ફળ રહેતા વિપક્ષે છેલ્લી ઘડીએ કોડીકુનીલ સુરેશને તેના ઉમેદવાર બનાવ્યાં હતા, તેથી ચૂંટણી નિશ્ચિત બની હતી.

સ્પીકર પદ માટે ઓમ બિરલાને સમર્થન આપવા માટે વિપક્ષે તેને ડેપ્યુટી સ્પીકરનું પદ આપવાની શરત રાખી હતી, જેને ભાજપના નેતાઓએ ઠુકરાવી દીધી હતી. સર્વસંમતિ સાધવા માટે કેન્દ્રીય પ્રધાન રાજનાથ સિંહ, અમિત શાહ અને જેપી નડ્ડાએ કોંગ્રેસના નેતા કે સી વેણુગોપાલ અને ડીએમકેના ટી આર બાલુ સાથે રાજનાથ સિંહની ઓફિસમાં ટૂંકી વાતચીત કરી હતી, પરંતુ તેમાં તેમાં વિખવાદ ઊભો થયો હતો. આ બેઠકોમાંથી વિપક્ષી નેતાઓ વોકઆઉટ કર્યું હતું અને વેણુગોપાલે સરકાર પર ડેપ્યુટી સ્પીકરના પદ માટેના વિપક્ષી ઉમેદવારની પરંપરાનું પાલન ન કરવાનો સરકાર સામે આક્ષેપ કર્યો હતો. તેમણે બિરલા સામે ઉમેદવાર ઊભા રાખવાની પણ જાહેરાત કરી હતી.

542 સભ્યોની લોકસભામાં એનડીએનું સંખ્યાબળ 293 સાંસદો, જ્યારે ઇન્ડિયા ગઠબંધન પાસે 233 સાંસદો છે, તેથી સંખ્યાબળ સ્પષ્ટપણે બિરલાની તરફેણમાં છે. ઓછામાં ઓછા ત્રણ અપક્ષ સભ્યો પણ વિપક્ષને સમર્થન આપી રહ્યાં છે.

LEAVE A REPLY