કેન્યામાં સરકારે કરવેરામાં વધારો કરતો ખરડો પસાર કરતાં પાટનગર નૈરોબીમાં મંગળવારે વ્યાપક રમખાણો ફાટી નિકળ્યા હતા. રોષે ભરાયેલા લોકોએ સંસદને ઘેરાવ કર્યો હતો અને સંસદભવનને, નૈરોબીના ગવર્નરની ઓફિસને આગ ચાંપી દીધી હતી.
લોકોએ સાંસદોને કરવેરામાં વધારો કરતા ખરડાનો વિરોધ કરવા હાકલ કરી હતી, પણ શાસક પક્ષના સાંસદોએ તેમ નહીં કરતાં તેમને ગુપ્ત સુરંગના રસ્તે સલામતી માટે નાસી છુટવાની ફરજ પડી હતી. સંસદે કરવેરામાં 2.7 બિલિયન ડોલર્સ જેટલા જંગી વધારાને બહાલી આપી હતી. કેટલાય વર્ષોથી ભારે મોંઘવારીથી ત્રસ્ત લોકોનો આથી આક્રોશ ભભૂકી ઉઠ્યો હતો.
ઉશ્કેરાયેલા લોકોને વિખેરવા પોલીસ ટીયર ગેસના શેલ છોડ્યા હતા, વોટર કેનનનો મારો ચલાવ્યો હતો અને દેખાવકારો ઉપર ગોળીબાર પણ કર્યો હતો, જેમાં એક ન્યૂઝ એજન્સીના અહેવાલ મુજબ ઓછામાં ઓછા પાંચના તેમજ બીજા અહેવાલો મુજબ 10થી વધુ લોકોના મોત નિપજ્યા હતા.
પાટનગર નૈરોબી ઉપરાંત કેન્યાના અન્ય શહેરોમાં પણ રોષે ભરાયેલા લોકો હિંસાખોરી આચરી રહ્યાના અહેવાલો મળે છે. રોષે ભરાયેલા લોકો હવે પ્રેસિડેન્ટ વિલિયમ રૂટોના રાજીનામાની પણ માંગણી કરી રહ્યા છે. રૂટો હજી બે વર્ષ પહેલા જ દેશના ગરીબોના ઉત્કર્ષના વચન સાથે ચૂંટાઈ આવ્યા હતા પણ પછી આઈએમએફ જેવી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓની અને પ્રજાની અપેક્ષાઓ તેમજ દબાણો વચ્ચે ફસાયેલા જણાય છે.