યુએન જનરલ એસેમ્બલીના પ્રમુખ ડેનિસ ફ્રાન્સિસે ભારતીય સમાજ સુધારક અને શિક્ષણવિદ્ હંસા મહેતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. ઇન્ટરનેશનલ ડે ઓફ વુમેન ડિપ્લોમસીના પ્રસંગે મહિલા રાજદ્વારીઓના અમૂલ્ય યોગદાનનું બહુમાન કરતાં યુએનમાં તેમણે આ શ્રદ્ધાંજલિ આપી હતી.
ફ્રાન્સિસે જણાવ્યું હતું કે “જો હંસા મહેતાએ સાર્વત્રિક માનવાધિકારની ઘોષણાની શરૂઆતની પંક્તિને ‘બધા પુરુષો’માંથી બદલીને ‘બધા માનવીઓ’ કરવાનો આગ્રહ ન રાખ્યો હોત તો શું માનવ અધિકારોની સાર્વત્રિક ઘોષણા આજે ખરેખર સાર્વત્રિક હોત?” હંસા મહેતાએ 1947થી 1948 દરમિયાન યુએન કમિશન ઓન હ્યુમન રાઇટ્સ માટે ભારતીય પ્રતિનિધિ તરીકે સેવા આપી હતી. તેઓ માનવ અધિકારની સીમાચિહ્નરૂપ સાર્વત્રિક ઘોષણા UDHRમાં વધુ લિંગ-સંવેદનશીલ ભાષા સુનિશ્ચિત કરવા માટે વ્યાપકપણે જાણીતા છે. સુરતમાં જન્મેલા હંસા મહેતાનું 1995માં 97 વર્ષની વયે મુંબઈમાં અવસાન થયું હતું.