રશિયાના મુખ્યત્વે મુસ્લિમ પ્રદેશ દાગેસ્તાનમાં ચર્ચ અને સિનાગોગ પર બંદૂકધારીઓના શ્રેણીબદ્ધ હુમલાનો મૃત્યુઆંક સોમવાર, 24 જૂને વધી 20 થયો હતો. આ વિસ્તારના બે સૌથી મહત્વપૂર્ણ શહેરોમાં હુમલાઓ થયાં હતાં. સુરક્ષા દળોની વળતી કાર્યવાહીમાં ઓછામાં ઓછા પાંચ હુમલાખોરો માર્યા ગયા હતાં.
ઓટોમેટિક હથિયારો સાથેના બંદૂકધારીઓએ રવિવારે સાંજે પ્રાચીન શહેર ડર્બેન્ટમાં એક ઓર્થોડોક્સ ચર્ચ અને એક સિનાગોગમાં હુમલો કર્યો હતો અને ચર્ચને આગ લગાવી હતી. તેમાં 66 વર્ષીય ઓર્થોડોક્સ પાદરી નિકોલાઈ કોટેલનીકોવનું મોત થયું હતું. કેસ્પિયન સમુદ્રના કિનારે ઉત્તરમાં લગભગ 125 કિમી (75 માઇલ) દૂર મખાચકલા શહેરમાંહુમલાખોરોએ ટ્રાફિક પોલીસ ચોકી પર ગોળીઓ ચલાવી અને ચર્ચ પર હુમલો કર્યો હતો.
આ હુમલાની તાકીદે કોઇ સંગઠને જવાબદારી લીધી ન હતી. રશિયાની તપાસ સમિતિએ જણાવ્યું કે 15 પોલીસકર્મીઓ અને ચાર નાગરિકો માર્યા ગયા. દાગેસ્તાનના આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, 46 વધુ લોકો ઘાયલ થયા હતાં.
રવિવારે સ્થાનિક સમય મુજબ સાંજે 6 વાગ્યા પહેલા કેટલાક બંદૂકધારીઓએ ડર્બેન્ટ શહેરમાં સિનાગોગ અને ઓર્થોડોક્સ ચર્ચ પર ઓટોમેટિક હથિયારોથી હુમલો કર્યો હતો.
ડર્બેન્ટ મુખ્યત્વે મુસ્લિમ પ્રદેશ છે અને તેમાં પ્રાચીન યહૂદી સમુદાય પણ વસે છે. બંદૂકધારીઓએ ડર્બેન્ટની ઉત્તરે લગભગ 125 કિમી (75 માઇલ) દૂર દાગેસ્તાનની રાજધાની મખાચકલામાં એક ટ્રાફિક પોલીસ ચોકી પર એક સાથે હુમલો કર્યો હતો. હુમલાખોરો અને પોલીસ વચ્ચે સામ-સામો ગોળીબાર થયો હતો. મખાચકલામાં રશિયન ઓર્થોડોક્સ કેથેડ્રલમાં ભારે ગોળીબાર થયો હતો.
દાગેસ્તાન ક્ષેત્રના વડા સેરગેઈ મેલિકોવે જણાવ્યું હતું કે માર્યા ગયેલા નાગરિકોમાં પાદરી નિકોલાઈ કોટેલનીકોવનો સમાવેશ થાય છે, જેમણે ડર્બેન્ટના ચર્ચમાં 40 વર્ષથી વધુ સમયથી કામ કર્યું હતું.