ભારતની યાત્રાએ આવેલા બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચેની શનિવાર, 22 જૂને મંત્રણા પછી બંને દેશો વચ્ચે ડિજિટલ, મેરિટાઇમ, રેલવે, ગ્રીન ટેકનોલોજી અને મેડિકલ સહિતના ક્ષેત્રમાં 10 સમજૂતીઓ પર હસ્તાક્ષર કરાયા હતાં. બંને દેશોએ રાજશાહી અને કોલકાતા વચ્ચે નવી ટ્રેન સેવા તથા ચટગાંવ અને કોલકાતા વચ્ચે નવી બસ સેવાની પણ જાહેરાત કરી હતી.
વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે મેડિકલ સારવાર માટે ભારત આવતા બાંગ્લાદેશના લોકો માટે ભારત ઇ-મેડિકલ વિઝા ફેસિલિટી ચાલુ કરશે. ભારતે રંગપુરમાં નવું આસિસ્ટન્ટ હાઈ કમિશન ખોલવાનું પણ નક્કી કર્યું છે. વાટાઘાટોમાં મોદી અને હસીનાએ સંરક્ષણ ઉત્પાદન અને બાંગ્લાદેશી સશસ્ત્ર દળોના આધુનિકીકરણ સહિતના ક્ષેત્રો સહિત દ્વિપક્ષીય સંરક્ષણ સહયોગને મજબૂત કરવાનો સંકલ્પ કર્યો હતો અને આતંકવાદ અને કટ્ટરવાદનો સામનો કરવા માટે જોડાણ વધારવા સંમત થયા હતાં.
રોહિંગ્યા શરણાર્થીઓ, મ્યાનમારની સ્થિતિ અને BIMSTEC (બે ઓફ બંગાળ ઇનિશિયેટિવ ફોર મલ્ટી-સેક્ટોરલ ટેકનિકલ એન્ડ ઇકોનોમિક કોઓપરેશન) ગ્રૂપના માળખા હેઠળ પ્રાદેશિક સહકારને વેગ આપવાના મુદ્દોના પણ વાટાઘાટોમાં સામેલ હતાં.